એટ્રોસિટી એક્ટના મુદ્દે સુપ્રિમ કોર્ટની ટિપ્પણીને લઇને ૨જી એપ્રિલે ભારત બંધનુ એલાન અપાયું હતું. હવે ફરી એક વાર ૧૦મી એપ્રિલે ‘આરક્ષણ હટાવો, દેશ બચાવો’ના સૂત્ર સાથે કથિત ભારત બંધનું એલાન અપાયુ છે.
બંધના એલાનના પગલે શાળા-કોલેજો,બજારો બંધ રહેશે કે પછી આ માત્ર અફવા તે મામલે લોકો ભારે અસમંજસમાં છે. બંધને પગલે અનિચ્છિય ઘટનાઓ ન બને તે માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્ય સરકારને સચેત રહેવા આદેશ કર્યો છે. ૨જી એપ્રિલે એટ્રોસિટી એક્ટમાં સુધારો કરવાના મામલે બંધ દરમિયાન ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા હતાં અને સરકારી મિલ્કતોને પણ ભારે નુકશાન પહોંચ્યુ હતુ.
આ વખતે આવી ઘટનાનુ પુનરાવર્તન ન થાય તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે માર્ગદર્શિકા જારી રહીને ગુજરાત સહિત રાજ્ય સરકારોને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા તાકીદ કરી છે. આ ઉપરાંત જરુર પડે તો ૧૪૪ કલમ લાગુ કરવા પણ આદેશ કર્યો છે. ગૃહ વિભાગે એવી પણ ચિમકી ઉચ્ચારી છે કે, જો બંધ દરમિયાન તોફાનો થશે તો પોલીસ અધિકારીને જવાબદાર ઠેરવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સત્તાવાર રીતે કોઇ સંસ્થાએ બંધનું એલાન આપ્યુ નથી તેમ છતાંય પોલીસે અનિચ્છિય ઘટના ન બને તે માટે તકેદારીના પગલાં લીધા છે તેવો દાવો કર્યો હતો.