ઝારખંડના ધનબાદમાં ગઈ કાલે રાતે એક મોટી દૂર્ઘટના બની ગઈ. એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગવાથી ૧૫ લોકોના મોત થઈ ગયા છે. ધનબાદના ડેપ્યુટી કમિશ્નર સંદીપ કુમારે જણાવ્યુ કે આશીર્વાદ અપાર્ટમેન્ટમાં પૂજા દરમિયાન એક તણખલાના કારણે આગ લાગી. આગ ખૂબ ઝડપથી ફેલાઈ ગઈ. એસએસપી સંજીવ કુમારે જણાવ્યુ કે મૃતકોમાં ૧૧ મહિલાઓ અને ૩ બાળકો સામેલ છે. આ દૂર્ઘટનામાં એક પુરુષનુ પણ મોત થયુ છે.
આગ લાગ્યા બાદ સમગ્ર બિલ્ડીંગમાં અફરાતફરી મચી ગઈ હતી. ધુમાડો એટલો ગાઢ હતો કે કેટલાક લોકોનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો અને લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તમને જણાવી દઈએ કે આ આશીર્વાદ ટાવર બેંક મોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત શક્તિ મંદિર પાસે છે. મંગળવારે સાંજે અહીં ભીષણ આગ લાગી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ઘટના બાદ ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક પીડિતાએ જણાવ્યુ કે અમે અમારી ભત્રીજીના લગ્નમાં જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અમે રૂમમાં ધુમાડો જોયો. મારા પતિના ભાઈએ અમને જણાવ્યું કે બિલ્ડિંગમાં આગ લાગી હતી. અમે ચોથા માળે હતા, અમે નીચે જવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ ગાઢ ધુમાડાને કારણે અમે નીચે જઈ શક્યા નહીં, અમારો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો, જેના કારણે અમે ટેરેસ પર ગયા અને મદદ માટે બોલાવ્યા. જે બાદ પોલીસે આવીને અમને બચાવ્યા. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને ૨ લાખ રૂપિયાનુ વળતર આપવાની જાહેરાત કરી છે.
વડાપ્રધાને કહ્યુ કે ધનબાદમાં આગને કારણે થયેલા જાનહાનિથી હું ખૂબ જ દુઃખી છુ. જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરુ છુ. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરુ છુ. હું મૃતકોના નજીકના સંબંધીઓને ૨-૨ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરુ છુ. આ ઘટના બાદ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટ કર્યુ કે, ‘ધનબાદના આશીર્વાદ ટાવર અપાર્ટમેન્ટમાં લાગેલી આગને કારણે લોકોના મોત અત્યંત હૃદયદ્રાવક છે. જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યુ છે અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર આપવામાં આવી રહી છે. હું જાતે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યો છુ. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને દુઃખના મુશ્કેલ સમયમાં સહન કરવાની શક્તિ આપે. ઘાયલોને ઝડપી તબીબી સારવાર આપવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે