ઓડિશામાં રમાઈ રહેલી હોકી વર્લ્ડ કપ ૨૦૨૩ ની મેચમાં ભારતીય ટીમે જાપાનને હરાવ્યું હતું. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા કેપ્ટન હરમનપ્રીત સિંહે અંતે બે ગોલ કર્યા હતા. જેની મદદથી ભારતે મેચમાં જાપાનને ૮-૦થી હરાવ્યું હતું. જો કે આ મેચનું હવે કોઈ મહત્વ રહેતું નથી. કારણ કે ક્રોસઓવર મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારીને ભારત પહેલેથી જ ક્વાર્ટર ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું હતું. ભારતીય ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું છે. ભારતે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં ચાર-ચાર ગોલ કર્યા હતા. હરમનપ્રીતે ૪૬મી અને ૫૯મી મિનિટે પેનલ્ટી કોર્નર પરથી ગોલ કર્યા જે ખરાબ ફોર્મ બાદ હવે તેનો આત્મવિશ્વાસ વધારશે
. ભારત માટે ૨૩ વર્ષીય અભિષેકે પણ ૩૬મી અને ૪૪મી મિનિટે ફિલ્ડ ગોલ કર્યા હતા. તેમના સિવાય મનદીપ સિંહ, વિવેક સાગર પ્રસાદ, મનપ્રીત સિંહ અને સુખજીત સિંહ ગોલ કર્યા હતા. પ્રથમ હાફમાં કોઈ ટીમ ગોલ કરી શકી ન હતી. ભારતે ત્રીજા ક્વાર્ટરમાં ચાર અને ચોથા ક્વાર્ટરમાં પણ ચાર ગોલ કર્યા હતા. બિરસા મુંડા સ્ટેડિયમમાં આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો હાજર રહ્યા હતા. ભારતે પ્રથમ ક્વાર્ટરમાં જોરદાર અટેક કર્યો હતો અને ૧૨મી મિનિટે સતત બે પેનલ્ટી કોર્નર મેળવ્યા હતા પરંતુ હરમનપ્રીત ગોલ કરી શક્યો નહોતો. બીજા ક્વાર્ટરમાં જાપાનને મળેલા બંને પેનલ્ટી કોર્નર પણ નિષ્ફળ ગયા હતા. હાફ ટાઈમ સુધી ભારતે વિરોધી ગોલ પર ૧૬ અટેક કર્યા હતા જ્યારે જાપાનની ટીમ કોઈ ટીમ ગોલ કરી શકી નહોતી.