ભારતે ૧૯૬૦ની સિંધુ જળ સંધિમાં સંશોધન માટે પાકિસ્તાનને નોટિસ ફટકારી છે. શુક્રવારે આ માહિતી આપતાં સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈસ્લામાબાદ દ્વારા સંધિના અમલીકરણ અંગેના તેના વલણને કારણે આ નોટિસ જારી કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે, આ નોટિસ ૨૫ જાન્યુઆરીએ સિંધુ જળ કમિશનર દ્વારા મોકલવામાં આવી હતી. સિંધુ જળ સંધિના અમલીકરણમાં ભારત હંમેશાં જવાબદાર ભાગીદાર રહ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, “પાકિસ્તાનની કામગીરીએ સિંધુ જળ સંધિની જોગવાઈઓ અને તેને લાગુ કરવા પર પ્રતિકૂળ અસર કરી અને ભારતને તેના સુધારા માટે યોગ્ય નોટિસ જારી કરવાની ફરજ પાડી.
સિંધુ જળ સમજૂતી પાણીના વિભાજન બાબતની તે વ્યવસ્થા છે, જેના પર ૧૯ સપ્ટેમેબર ૧૯૬૦નાં રોજ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને કરાચીમાં હસ્તાક્ષર કર્યા હતા. તેમાં છ નદીઓ બિયાસ, રાવી, સતલુજ, સિંધુ, ચિનાબ અને જેલમના પાણીના વિતરણ અને ઉપયોગ કરવાના અધિકારોનો સમાવેશ થાય છે. વિશ્વ બેંકે આ કરારમાં મધ્યસ્થી કરી હતી. આ સંધિ અનુસાર, કેટલાક અપવાદોને બાદ કરતાં, ભારત પૂર્વીય નદીઓના પાણીનો પ્રતિબંધ વિના ઉપયોગ કરી શકે છે. ભારત સંબંધિત જોગવાઈઓ હેઠળ, ભારતને રાવી, સતલુજ અને બિયાસ નદીઓના પાણીનો પરિવહન, વીજળી અને ખેતી માટે ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.IWTમાં સંશોધન બાબતે પાઠવવામાં આવેલી ભારતની આ નોટિસ દ્વારા પાકિસ્તાનને IWTના ભૌતિક ઉલ્લંઘનને સુધારવા માટે ૯૦ દિવસની અંદર સરકાર સાથે વાતચીત કરવા માટેની તક આપવામાં આવી છે. વર્ષ ૨૦૧૫માં પાકિસ્તાને ભારતના કિશનગંગા અને રાતેલ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ પર તેની તકનીકી વાંધાઓની તપાસ કરવા માટે તટસ્થ નિષ્ણાતની નિમણૂક માટે વિનંતી કરી હતી. બાદમાં ૨૦૧૬માં પાકિસ્તાને એકપક્ષીય રીતે વિનંતી પાછી ખેંચી લીધી અને દરખાસ્ત કરી કે મધ્યસ્થ કોર્ટે તેના વાંધાઓ નક્કી કરે. સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાનનું આ એકપક્ષીય પગલું સંધિની કલમ ૯માં વિવાદોના સમાધાન માટે બનાવવામાં આવેલી વ્યવસ્થાનું ઉલ્લંઘન છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ૨૦૧૬માં વિશ્વ બેંકે પોતે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે બે સમાંતર પ્રક્રિયાઓની શરૂઆત રોકવાનો ર્નિણય કર્યો હતો અને ભારત-પાકિસ્તાને તેમાંથી સૌહાર્દપૂર્ણ રીતે બહાર નીકળવા વિનંતી કરી હતી. પાકિસ્તાને ૨૦૧૭થી ૨૦૨૨ દરમિયાન પરમેનન્ટ ઈન્ડસ કમિશનની પાંચ બેઠકો દરમિયાન આ મુદ્દે ચર્ચા કરવાનો ઈન્કાર કર્યો હતો. ભારત દ્વારા પરસ્પર સહમત માર્ગ શોધવાના વારંવાર પ્રયાસો છતાં પાકિસ્તાનના સતત આગ્રહ પર વિશ્વ બેંકે તટસ્થ નિષ્ણાત અને કોર્ટ ઓફ ઓર્બિટ્રેશન બંને પ્રક્રિયાઓ શરૂ કરી. સમાન મુદ્દાઓની આવી સમાંતર વિચારણા સિંધુ જળ સંધિની કોઈપણ જોગવાઈ હેઠળ આવરી લેવામાં આવતી નથી. સૂત્રોએ જણાવ્યું કે આ રીતે સિંધુ જળ સંધિની જોગવાઈઓના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને ભારતને સુધારાની નોટિસ આપવાની ફરજ પડી હતી.