પહેલાના જમાનામાં રોટી કપડા અને મકાન એ વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત હતી, હાલ એ જ જરૂરિયાતમાં નવી અને સૌથી જરૂરી જરૂરિયાત છે મોબાઇલ. મોબાઇલ જો ના હોય તો વ્યક્તિ પોતાને 18મી સદીનો સમજી બેસે છે. એક દિવસ મોબાઇલ ઘરે ભૂલી જાવ તો દિવસ જતો નથી અને જાણે ઉપવાસ કર્યો હોય તેવું લાગ્યા કરે છે. મોબાઇલ દ્વારા સંપૂર્ણ કામ થઇ જતા હોય છે એટલે આજે મોબાઇલ પાસે ના હોય તો માણસને અધૂરપ લાગે છે.
મોબાઇલ જો તમને સારી રીતે વાપરતા આવડે છે તો તે તમારા માટે આશીર્વાદ છે પરંતુ જો નથી આવડતો તો ક્યારેક તમારો જ મોબાઇલ તમારા માટે અભિશાપ પણ બની શકે છે.
જો તમને તમારા ફોનમાં ડાઉનલોડ ફોલ્ડર ચેક કરવાની આદત નથી તો આદત પાડો, કારણકે તમારી પરમિશન વગર જ અમીક એપ્લિકેશન ફોનમાં આવી શકે છે અને તમારી જાસૂસી પણ કરી શકે છે. સાઉથ કોરિયાની સિક્યોરિટી રિસર્ચર ફર્મ સાઇબર સિક્યોરીટીએ ખુલાસો કર્યો છે કે નાવેર ડિફેન્ડર નામની એક ફેક એન્ટિ વાઇરસ એપ છે, જે યુઝર્સના ફોન રેકોર્ડ કરે છે, મેસેજ વાંચે છે અને તમારા ફોનની ગેલેરીમાં જઇને ફોટા પણ ચેક કરે છે.
આ એપ દ્વારા એન્ડ્રોઇડ મોબાઇલ યુઝર્સને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે, આ એપથી મોબાઇલમાં કેવડ્રોઇડ નામનો વાઇરસ પહોંચાડવામાં આવી રહ્યો છે. આ વાઇરસ એક રિમોટ એડમિનિસ્ટ્રેશન ટૂલ છે જેને એન્ડ્રોઇડ ડિવાઇસની જાસૂસી કરવા અને ડેટા ચોરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યુ છે.
આ એપના બે વેરિઅન્ટ છે, પહેલો વેરિઅન્ટ તમારા ફોનમાં હાજર એપને સ્કેન કરે છે અને દર 10 સેકન્ડે લોકેશન ટ્રેક કરે છે, મેસેજ મોકલે છે, ફોટા જુએ છે અને ક્યારેક કોન્ટેક્ટ લિસ્ટ પણ ચેક કરે છે. જ્યારે બીજો વેરિઅન્ટ તેનાથી પણ વધુ ખતરનાક છે. આ વેરિઅન્ટ તમારી જાણ બહાર ફોનના કેમેરાને એક્સેસ કરે છે,ઓડિયો ને વિડીયો રેકોર્ડ કરે છે. તમારી વેબ હિસ્ટ્રી અને ફાઇલ મેનેજર પર પણ નજર રાખે છે.
જો તમારા ફોનમાં પણ આવી કોઇ એપ દેખાય તો તરત જ મોબાઇલનો બેક અપ લઇને ફોનને ફેક્ટરી રિસેટ કરી દેવો જોઇએ.