ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને મારી નાંખવાની ધમકી આપી છે. આતંકવાદી પન્નુએ ધમકી આપી છે કે, જો પંજાબના CM ભગવંત માન ગણતંત્ર દિવસ પર તિરંગો ફરકાવશે તો તેમના પર હુમલો કરવામાં આવશે. વાસ્તવમાં પંજાબના CM ભગવંત માન ૨૬ જાન્યુઆરીએ ભટિંડાના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં તિરંગો ફરકાવવાના છે. બીજી તરફ ધમકી મળ્યા બાદ મુખ્યમંત્રી માનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ ખાલિસ્તાન તરફી અલગતાવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસનો સ્વયં ઘોષિત નેતા છે. વિદેશમાં બેસીને પન્નુ આતંકવાદી ષડયંત્ર રચવાનું અને પંજાબ અને હરિયાણામાં અશાંતિ પેદા કરવાનું કામ કરે છે. પટિયાલામાં ખાલિસ્તાન વિરોધી માર્ચ પર ખાલિસ્તાન સમર્થકોના હુમલા અને હિંસક અથડામણમાં પણ પન્નુનો હાથ રહ્યો છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ મુખ્યમંત્રી માનને ધમકી આપતો વીડિયો જાહેર કર્યો છે.
આટલું જ નહીં, ભટિંડામાં મુખ્યમંત્રી માન જ્યાં તિરંગો ફરકાવવા જઈ રહ્યા છે, તે મેદાનની દિવાલો પર ખાલિસ્તાનના પક્ષમાં નારા લખવામાં આવ્યા છે. આ સિવાય સીઆઇએસએફ કેમ્પસ ભટિંડા, nfl ભટિંડા અને રણજીત સિંહ ટેકનિકલ યુનિવર્સિટીની બહાર પણ ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લખવામાં આવ્યા છે. પન્નુએ ધમકી આપી છે કે, ‘જો CM માન ૨૬ જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવશે તો તેમના પર આરપીજી હુમલો કરવામાં આવશે. જેઓ સૂત્રો લખે છે તેઓ એ પણ જાણે છે કે આરપીજીનો ઉપયોગ કેવી રીતે કરવો. એટલે તમારા માટે સારું એ છે કે, તમે તિરંગો ફરકાવવા ન આવો.’ આતંકવાદી પન્નુએ પોતાના વીડિયોમાં કેન્દ્ર અને પંજાબ સરકારમાં હિંદુઓને વચ્ચે આવવાની ના પડી છે.
આતંકવાદીનું કહેવું છે કે, હિંદુઓએ પણ ૨૬ જાન્યુઆરીના કાર્યક્રમમાં આવવાથી બચવું જોઈએ. આ હુમલો તેમના પર પણ થઈ શકે છે. ભારતનો વોન્ટેડ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ અમેરિકામાં છુપાયેલો છે. પન્નુને ખાલિસ્તાન તરફી સંગઠન ‘શિખ્સ ફોર જસ્ટિસ’ના નેતા હોવાનું કહેવાય છે. સૂત્રોનું માનીએ તો, ગુરપતવંત સિંહ પન્નુ પર પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઇએસઆઇનો હાથ છે. તે અમેરિકા સિવાય બ્રિટન સહિત વિશ્વના અન્ય દેશોમાં ભારત વિરોધી પ્રચાર કરતો રહેતો હોય છે.