આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં હવે અંધારપટ છવાઈ ગયો છે. દેશમાં પહેલા લોટ ખતમ થઈ ગયો ત્યારબાદ ગેસ અને પેટ્રોલનું સંકટ આવ્યું અને હવે વીજળીનો વારો છે. એવા રિપોર્ટ્સ છે કે પાકિસ્તાનનો એક મોટો હિસ્સો સોમવાર સવારથી અંધારામાં ડૂબેલો છે. ક્વેટા અને ગુડ્ડુ વચ્ચે હાઈ ટેન્શન ટ્રાન્સમિશન લાઈનોમાં ખરાબીના પગલે દેશના અનેક ભાગોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. પાકિસ્તાન પહેલેથી જ વીજળીની અછત અને લાંબા વીજ કાપનો સામનો કરી રહ્યું છે. સરકાર વીજળી બચાવવા માટે બજારોને ૮ વાગ્યામાં બંધ કરવાના આદેશ આપી ચૂકી છે.
બલૂચિસ્તાનના ૨૨ જિલ્લા સહિત ક્વેટા ઈસ્લામાબાદ, લાહોર મુલ્તાન ક્ષેત્રના અનેક શહેરો અને કરાચી જેવા જિલ્લાઓમાં વીજળી ડૂલ થઈ છે. લાહોરમાં મોલ રોડ, કનાલ રોલ્ડ અને અન્ય વિસ્તારોમાં લોકો વીજ સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે લાઈનોમાં ટેક્નિકલ ખરાબીના પગલે સિંધ, ખૈબર પખ્તુન્ખ્વા, પંજાબ અને ઈસ્લામાબાદમાં વીજળી ગઈ છે. અહીં ગુડ્ડુથી ક્વેટા વચ્ચે ૨ સપ્લાય લાઈનમાં ગડબડી છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાન આ વર્ષે જ નવો એનર્જી પ્લાન લઈને આવ્યું છે. ગત વર્ષ ઓક્ટોબરમાં પણ પાકિસ્તાનમાં મોટો પાવરકટ થયો હતો.ત્યારે કરાચી, લાહોર જેવા શહેરોમાં લગભગ ૧૨ કલાક વીજળી ગૂલ થઈ ગઈ હતી.
બીજી બાજુ ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે નેશનલ ગ્રિડમાં સવારે ૭.૩૪ વાગે ગડબડી નોંધાઈ. વીજ સપ્લાયને બહાલ કરવાના પ્રયત્નો ચાલુ છે. વીજળી ન હોવાના કારણે મેટ્રો સેવા પણ પ્રભાવિત થઈ છે જેના કારણે મુસાફરોએ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઈસ્લામાબાદ વીજ સપ્લાય કંપનીના ૧૧૭ ગ્રિડ સ્ટેશનોની વીજળી સપ્લાયમાં વિધ્ન આવ્યું છે. જેના કારણે સમગ્ર શહેર અને રાવલપિંડી પણ અધારામાં ડૂબ્યા છે. સૂત્રોના હવાલે કહેવાયું છે કે વીજળી પાછી આવવામાં કલાકો લાગી શકે છે.