સુરતમાં પતંગની સાથે સાથે ફુગ્ગાઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં વેચાતા હોય છે. ઘણા લોકો રોજગારી મેળવવા માટે ગેસની જે બોટલો હોય છે. તેનાથી ફુગ્ગા ભરતા હોય છે અને વેચાણ કરતા હોય છે. આ જ પ્રકારે ફુગ્ગાનો વેચાણ કરતા ફુગ્ગા ફુલાવવા દરમિયાન વિસ્ફોટ થયો અને યુવકનું મોત થઈ ગયું છે. આ દુર્ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયાં હતાં. કાર્બન પાણી અને ચુનાના મિશ્રણ બાદ પ્રેશર વધી જતાં સમગ્ર દુર્ઘટના સર્જાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પુણાગામ વિસ્તારમાં મહાવીર સર્કલ નજીક ફુગ્ગાનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. કૈલાશ ગંગારામ વાગડીયા નામનો યુવક ફુગ્ગામાં ગેસ ભરીને વેચતો હતો. એકાએક જ ફુગ્ગામાં ગેસ ભરતી વખતે બ્લાસ્ટ થયો હતો. સામાન્ય રીતે આવા કિસ્સાઓ બનતા નથી. પરંતુ એ કેટલું જોખમી થઈ જાય છે. તે સીસીટીવીના દ્રશ્યો પરથી જોઈ શકાય છે.
શનિવારના દિવસે રાતે ફુગ્ગો ફુલાવતી વખતે ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. સુરતના પુણા વિસ્તાર અને પર્વત પાટિયા વિસ્તારમાં યુવક ગેસ વડે ફુગ્ગો ફુલાવી રહ્યો હતો.. તે દરમિયાન જ એકાએક પ્રેશર વધી જતા ગેસની બોટલ ધડાકા ફાટી હતી. બોમ્બ વિસ્ફોટ થયો હોય એ પ્રકારે ધડાકાભેર અવાજ આવતા આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા. બ્લાસ્ટ થતાની સાથે જ યુવકને ગંભીર ઈજા થઈ હતી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. તેમજ લારીની આસપાસ ઉભેલા બે લોકોને પણ સામાન્ય ઇજા થઈ હતી. ઘણા લોકો થ્રી-વ્હીલર સાયકલ ઉપર ગેસ સિલિન્ડર લઈને અલગ અલગ વિસ્તારોમાં ફુગ્ગા વેચવા માટે નીકળતા હોય છે. ગ્રાહક માંગે તે રીતે ફુગ્ગામાં પ્રેશરથી ગેસ ભર્યા બાદ તેઓ વેચતા હોય છે. આવી સ્થિતિમાં વિશેષ કરીને નાના બાળકો ખરીદી કરવા માટે વધુ આવતા હોય છે. જે રીતે હાલ ગેસ સિલિન્ડર ફાટવાના કારણે યુવાનો મોત થયું છે. તે જોતા આવી ઘટના ગમે ત્યાં પણ બની શકે છે. ફુગ્ગાનું વેચાણ કરવા માટે અલગ અલગ સોસાયટીઓમાં બજારમાં પણ લોકો ઊભા રહે છે. અથવા તો ફરતા ફરતા ફુગ્ગાનું વેચાણ કરતા હોય છે. આ પ્રકારે જ્યારે સિલિન્ડર બ્લાસ્ટ થાય છે. ત્યારે જીવ પર જતો રહે છે.
સુરતમાં બનેલી આ ઘટના ખરેખર લાલબત્તી સમાન છે. વધુ પડતા પ્રેશર ના કારણે ગેસ સિલિન્ડર ફાટતાં લઈને હવે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.