પાલનપુરમાં કોરોના સમયે પતિએ આપઘાત કર્યા પછી વિધવા મહિલાને વિશ્વાસમાં લઇ સાસરીયાઓએ તેના પતિની મિલ્કત પચાવી પાડી શારિરીક – માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ અંગે તેણીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર બેચરપુરા વિસ્તારમાં રહેતા કેતનભાઇ જયંતિભાઇ પ્રજાપતિએ કોરોના વખતે ઇંટોના વ્યવસાયમાં મંદી આવતાં ઘરે રસોડામાં ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જે બાદ તેમની પત્નિ ક્રિનાબેન બે બાળકોનું પાલન- પોષણ કરતાં હતા.
જોકે, તેમના દિયર હિતેશભાઇ જયંતિભાઇ પ્રજાપતિ અને સસરા જયંતિભાઇ ખુશાલભાઇ પ્રજાપતિએ તેણીને વિશ્વાસમાં લઇ ક્રિનાબેનના પતિની રૂપિયા દોઢ કરોડની રકમ, ક્રિનાબેનની માલિકીની બે ટ્રકો, ફોર વ્હિલર ગાડી, જમીનમાં હક હિસ્સો આપવાનું કહ્યુ હતુ. જોકે, તે ન આપી તેમજ ધંધામાં જી. એસ. ટી.ના નાણાં સરકારમાં નીલ બતાવી સરકાર સાથે પણ છેતરપીંડી કરી હતી. જ્યારે સાસુ હિરાબેન જયંતિભાઇ પ્રજાપતિ, દેરાણી મિલનબેન હિતેષભાઇ પ્રજાપતિ, નણંદ હંસાબેન ગંગાભાઇ પ્રજાપતિએ ઘરકામ કરવા મુદ્દે મ્હેણા ટોણા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ તેણીની ગતિવિધિઓ ઉપર નજર રાખવા માટે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. આ અંગે ક્રિનાબેને પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.