ફેસબુકમાર્ક ઝુકરબર્ગે ફેસબુક ઉપર ડેટા લીકના આરોપો સામે એડવર્ટાઇઝિંગ પોલિસીને વધુ કડક અને પારદર્શી બનાવી દીધી છે. કંપનીના સ્થાપક માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે ભારત ,પાકિસ્તાન અમેરિકા, મેક્સિકો અને બ્રાઝિલમાં થનારી ચૂંટણીમાં જાહેરાતો આપનારા લોકોનું વેરિફિકેશન કરવું પડશે.
આ સાથે ચૂંટણી દરમિયાન સારા સંવાદને સમર્થન આપવું તથા બહારના હસ્તક્ષેપ પર અંકુશ રાખવો તે ફેસબૂકની પ્રાથમિકતા રહેશે. તે માટે કંપની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ટૂલનો ઉપયોગ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ફેસબૂક પર આરોપ છે કે તેના 5 કરોડ યુઝર્સના ડેટાનો અમેરિકન પ્રેસિડન્ટની ચૂંટણીમાં ખોટી રીતે ઉપયોગ થયો હતો.
ઝુકરબર્ગે જણાવ્યું કે, `ચૂંટણીની જાહેરાતો આપનારાનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. તે માટે ઓળખ અને સરનામુ આપવું પડશે. જો જાણકારી નહિ અપાય તો એવા લોકોની ચૂંટણીને લગતી કોઇ પણ જાહેરાત ચલાવવામાં નહિ આવે. તેની શરૂઆત અમેરિકાથી થઇ રહી છે. ભવિષ્યમાં તેને બાકીના દેશમાં પણ લાગુ કરીશું. તેમાં એક એવું ટૂલ હશે જેનાથી કોઇ પણ યુઝરકોઇ પેજની બધી જાહેરાતો જોઇ શકશે.’ `વધુ ફોલોઅર્સવાળા ફેસબૂક પેજિસને ચલાવનારા યુઝર્સ માટે પણ વેરિફિકેશન જરૂરી બનશે. તેનાથી ફેક એકાઉન્ટથી પેજ ઓપરેટ કરવાનું સરળ નહિ બને અને ખોટી માહિતી ફેલાવવા પર પણ અંકુશ આવશે.’