જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી સતત ઘૂસણખોરીને લઈને સુરક્ષા દળો સતત સતર્ક છે અને પાકિસ્તાનના કોઈપણ નાપાક પ્રયાસને સફળ થવા દેતા નથી. સરહદ પર નિયંત્રણ જાળવવા માટે કેન્દ્રશાસિત પ્રદેશના સાંબા જિલ્લામાં આવેલ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જિલ્લામાં સરહદ પર ૨ મહિના માટે આ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સત્તાવાળાઓએ મંગળવારે સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા એક કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યો હતો. સરહદ વિસ્તાર પર બીએસએફ જવાનોની અસરકારક પકડ સુનિશ્ચિત કરવા માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સત્તાવાર આદેશથી આ માહિતી મળી છે. જાહેર કરાયેલા સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે, વર્તમાન ધુમ્મસની સ્થિતિમાં સીમા પારથી ઘૂસણખોરી અને ડ્રોન દ્વારા હથિયારોની દાણચોરીના જોખમને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અનુરાધા ગુપ્તા દ્વારા જાહેર કરાયેલા આદેશ હેઠળ સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડરથી એક કિલોમીટર સુધીના વિસ્તારમાં રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા એક કિલોમીટર સુધીના વિસ્તારમાં રાત્રે ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કોઈપણ વ્યક્તિ અથવા વ્યક્તિઓનું જૂથ આવ જા નહી કરી શકે કે ફરી નહીં શકે.” આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જિલ્લા સ્તરની સ્થાયી સમિતિની બેઠક દરમિયાન, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સરહદથી એક કિલોમીટરની ત્રિજ્યામાં રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાદવાની વાત કરી હતી. જેથી કરીને તેઓ તેમની ફરજો વધુ અસરકારક રીતે નિભાવી શકે છે. આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે અને બે મહિના સુધી લાગુ રહેશે. ડીએમ અનુરાધા ગુપ્તાએ કહ્યું, “જો લોકોની અવરજવર જરૂરી હોય, તો વ્યક્તિ અથવા વ્યક્તિઓએ બીએસએફ અને પોલીસ અધિકારીઓને તેમના સંબંધિત ઓળખ કાર્ડ રજૂ કરવા પડશે.” તેમણે વધુમાં કહ્યું કે, “કોઈપણ વ્યક્તિ આ આદેશોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.