વડોદરાના ન્યુ સમા વિસ્તારમાં આવેલી નૂતન વિદ્યાલયમાં વિદ્યાર્થીને ૫ લાફા મારનાર શિક્ષક અનિલ પ્રજાપતિ સામે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ૨૦ દિવસ પહેલાં નૂતન વિદ્યાલયના શિક્ષકે એક વિદ્યાર્થીને ગાલ અને કાન પર ૫ જેટલા લાફા માર્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ વાલીને મળતા ૫ દિવસ પહેલા એકવાર ભોગ બનેલા વિદ્યાર્થીના વાલી સમાજના અગ્રણીઓ સાથે સ્કૂલમાં પહોંચ્યા હતા અને શિક્ષકને ડિસમિસ કરવાની માંગણી કરી હોબાળો મચાવ્યો હતો.
તા.૧૨ ડિસેમ્બરના રોજ સમા ખાતે આવેલી નૂતન વિદ્યાલય સ્કૂલમાં ધોરણ-૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કૂલના શિક્ષકે સામાન્ય બાબતમાં ગાલ અને કાન પર ૫ જેટલા લાફા મારતા વિદ્યાર્થીના કાનમાંથી લોહી નીકળ્યું હતું. શિક્ષક અનિલભાઇ વિદ્યાર્થીને માર મારી રહ્યા હતા. તે સમયના CCTV ફૂટેજ વાલીને મળ્યા હતા. આજે બહુજન સમાજ પાર્ટીના અગ્રણી ભરતભાઇ રોહિતની આગેવાનીમાં વાલીઓ સ્કૂલમાં પહોંચ્યા હતા અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રતિલાલ પટેલને મળી શિક્ષકને તાત્કાલિક ડિસમિસ કરવાની લેખિત-મૌખિક રજૂઆત કરી હતી.
બહુજન સમાજ પાર્ટીના અગ્રણી ભરતભાઇ રોહિતે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, સ્કૂલના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો છે. જે સાંખી લેવાય નહીં. એક વખત ભૂલ માફ કરાય. પરંતુ, વારંવાર ભૂલનું પુનરાવર્તન કરાય તે ચલાવી લેવાય નહીં. અગાઉ પણ આ શિક્ષકે ૫ જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય બાબતોમાં માર માર્યો છે. પરંતુ, આ વખતે શિક્ષક અનિલભાઇએ ધોરણ-૯ના વિદ્યાર્થીને માર મારીને હદ વટાવી દીધી છે. આ શિક્ષકને ડિસમિસ કરવામાં આવે તેવી અમારી માંગ છે. અન્ય એક વિદ્યાર્થિની માતાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર ધોરણ-૯મા નૂતન વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. મારા પુત્રની બેગ ઉપર પાણી પડતાં તેને રિસેસમાંથી ક્લાસરૂમમાં આવતા મોડું થયું હતું. આ જ કારણસર મારા પુત્રને પણ શિક્ષક અનિલભાઇ દ્વારા બે લાફા મારવામાં આવ્યા છે. અમે સ્કૂલમાં પ્રિન્સિપાલને શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે રજૂઆત કરવા માટે આવ્યાં છીએ. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રતિલાલ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષકને ડિસમિસ કરવાનો અધિકારી ડી.ઓ. કચેરીનો છે. અમોને ડી.ઓ. કચેરી દ્વારા જે સૂચના મળશે તેનું અક્ષરશઃ પાલન કરીશું.
અગાઉની વાલીઓની રજૂઆતને ધ્યાનમાં લઇ શિક્ષક અનિલભાઈ સામે કાર્યવાહી કરવામાં આવી જ છે. વાલીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે. તે રજૂઆતને પણ ગંભીરતાથી લેવામાં આવી છે. આ અંગે પણ જે કંઇ કાર્યવાહી કરવાની હશે તે અમે કરીશું. વડોદરાના હરણી વિસ્તાર રહેતો વિદ્યાર્થી સમા વિસ્તારમાં આવેલ નૂતન વિદ્યાલયમાં ધોરણ ૯મા અભ્યાસ કરે છે. સોમવારે રાબેતા મુજબ તે સ્કૂલમાં ગયો હતો. બપોરે રિસેસ દરમિયાન તેની બોટલમાંથી ક્લાસરૂમમાં પાણી ઢોળાતાં તે સાફ કરી રહ્યો હતો. આ દરમિયાન બાજુના ક્લાસમાંથી શિક્ષક અનિલભાઇ પ્રજાપતિ આવ્યા હતા અને તેમણે વિદ્યાર્થીને થપ્પડ મારી દીધી હતી. ઘટના અંગે વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે, મારા પુત્રને છેલ્લા ૬ મહિનાથી ક્લાસમાં બેંચ પર નહીં, પરંતુ નીચે બેસાડવામાં આવતો હતો છતાં અમે આ અંગે કોઇ ફરિયાદ કરતા ન હતા. પરંતુ મારા પુત્રને શિક્ષક અનિલભાઇએ નજીવી બાબતે પાંચથી સાત લાફા ઝીંકી દીધા હતા. જેથી તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. છતાં તેને સ્કૂલમાં સાંજ સુધી બેસાડી રાખવામાં આવ્યો હતો અને શાળા દ્વારા કોઇ પગલાં લેવાયાં ન હતાં. તેમણે કહ્યું કે, સાંજે મારા દીકરો ઘરે આવ્યો ત્યારે ફરી તેનાં નાક અને કાનમાંથી લોહી નીકળતા અમે પહેલાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાર બાદ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં તેના સિટી સ્કેન અને એક્સ-રે કરી દવા આપવામાં આવી હતી. હાલ પણ તેના ગાલ પર સોજો છે. આ શિક્ષક અગાઉ પણ અન્ય વિદ્યાર્થીને માર મારી ચૂક્યા છે. મારો પુત્ર એટલો ડરી ગયો છે કે બે દિવસથી શાળાએ નથી જઇ શકતો. અમે આ અંગે સમા પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી છે. અમારી માંગ છે કે શિક્ષક સામે પગલાં ભરવાં જોઇએ.