બજેટ સત્રના બીજા તબક્કામાં વિભિન્ન મુદ્દે હોબાળો થવાને કારણે સતત ૨૨ દિવસ સુધી બંને ગૃહોની કાર્યવાહી ઠપ રહી હતી. બજેટ સત્રમાં બજેટ પસાર કરવા સિવાય અન્ય કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય થઇ શક્યું નથી.
આ વર્ષનું બજેટ સત્ર વર્ષ ૨૦૦૦ પછીનું સૌથી ખરાબ સત્ર રહ્યું છે. હોબાળાને કારણે સંસદના ૨૫૦ કલાક વેડફાઇ ગયા છે. જેના કારણે પ્રજાના ૨૦૦ કરોડ રૃપિયાનો ધુમાડો થઇ ગયો છે. સંસદમાં ચાલતો હોબાળો સમાપ્ત કરવા માટે સરકારે ઘણા પ્રયત્નો કર્યા પણ તેને સફળતા મળી ન હતી.
બીજી તરફ હોબાળાને કારણે કેન્દ્ર સરકાર વિરુદ્ધ લોકસભામાં વિવિધ પક્ષો દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ અંગે પણ કોઇ ચર્ચા થઇ શકી ન હતી. બજેટ સત્રની શરૂઆત ૨૯ જાન્યુઆરીએ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણથી થઇ હતી.
૯ ફેબ્રુઆરીએ પ્રથમ ચરણ તબક્કો સમાપ્ત થયો હતો જ્યારે પાંચ માર્ચથી બીજા તબક્કાની શરૃઆત થઇ હતી. સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારના જણાવ્યા અનુસાર બજેટ સત્રના પ્રથમ તબક્કામાં લોકસભાની ઉત્પાદકતા ૧૩૪ ટકા જ્યારે રાજ્યસભાની ઉત્પાદકતા ૯૬ ટકા રહી હતી. બજેટ સત્રના પ્રથમ તબક્કામાં લોકસભાએ સાત દિવસ જ્યારે રાજ્યસભાએ આઠ દિવસ કામ કર્યુ હતું. સમગ્ર બજેટ સત્રની લોકસભાની ઉત્પાદકતા ૨૩ ટકા જ્યારે રાજ્યસભાની ૨૮ ટકા રહી હતી.