નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના ઑડિટ કરવાને પાત્ર ન હોય તેવા કરદાતાઓ સમયસર રિટર્ન ફાઈલ કરી શકે તે માટે રિટર્ન ફાઈલ કરવા માટેનું ઓન લાઈન ફોર્મ (યુટીલીટી) ‘સહજ’ ગઈકાલે જ બહાર પાડી દીધું છે. હવે ઑડિટને પાત્ર ન બનતા હોય અને પગારદાર કરદાતાઓએ તેમના આવકવેરાના રિટર્ન ૩૧મી જુલાઈ ૨૦૧૮ સુધીમાં ફરજિયાત ફાઈલ કરી દેવા પડશે.
સરકારે આ માટે સજ્જતા દાખવીને પહેલ કરી દીધી છે. ૩૧ જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ કરવામા નિષ્ફળ જનાર કરદાતા જો પહેલી ઓગસ્ટે કે તે પછી રિટર્ન ફાઈલ કરે તો તે માટે તેમણે રૂ. ૫૦૦૦ની લેટ ફી અને ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ પછી રિટર્ન ફાઈલ કરે તો રૂ.૧૦૦૦૦ની લેટ ફી જમા કરાવવી પડશે. અત્યાર સુધી પેનલ્ટી વિલંબિત રિટર્ન માટે પેનલ્ટી-દંડ કરવામાં આવતો હતો. હવે દંડને બદલે લેટ ફી લેવામાં આવે છે. લેટ ફીને કોર્ટમાં પડકારી શકાતી ન હોવાથી દંડને બદલે લેટ ફી શબ્દ ઉપયોગમાં લેવામાં આવ્યો છે.
આ વખતના ઈન્કમટેક્સ રિટર્નમાં કરદાતા તેમના પગારની ડિટેઈલ વિગતો અને બિઝનેસમૅને તેમના જીએસટીના નંબર તથા ટર્નઓવરની વિગતો પણ રજૂ કરે તેવો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. હવે દરેક કેટેગરીમાં આવતા કરદાતાઓએ ઓનલાઈન જ રિટર્ન ફાઈલ કરવું પડશે. પગારની, પેન્શનની, હાઉસ પ્રોપર્ટીમાંથી આવક ધરાવનારાઓ, અન્ય સ્રોતમાંથી આવક ધરાવનારાઓએ સહજ ફોર્મમાં તેમનું રિટર્ન ફાઈલ કરવું પડશે.
સહજ ફોર્મના વિભાગ એમાં કરદાતાએ તેને લગતી સામાન્ય માહિતી, વિભાગ બીમાં કુલ આવકની વિગતો, વિભાગ સીમાં વેરા લાભ માટે કરવામાં આવેલા મૂડીરોકાણને કારણે મળેલા વેરા લાભની વિગતો ભરવાની રહેશે. વિભાગ ડીમાં ભરવાપાત્ર વેરાની વિગતો અને વિભાગ ઈમાં અન્ય વિગતો આપવાની રહેશે.