ભારતે બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે ત્રણ વિકેટથી શાનદાર વિજય મેળવતા ૨-૦થી ક્લિન સ્વિપ કરીને પ્રવાસ પૂર્ણ કર્યો હતો. ઢાકામાં ૧૪૫ રનનો પીછો કરવા ઉતરેલી ટીમે અનેક ઉતરચઢાવ જોયા હતા. જેમાં રવિચંદ્રન અશ્વિન (૪૨*) અને શ્રેયસ અય્યર (૨૯*)એ જોરદાર ફાઇટ બેક આપીને ભારતને ફરી ટ્રેક પર લાવી દીધું હતું. આ બંનેની વિનિંગ પાર્ટનરશિપ પહેલા અક્ષર પટેલએ સતત પ્રયાસો કર્યા અને ગેમને ભારતની વિરુદ્ધમાં જતા અટકાવી હતી. અક્ષરે ૬૯ બોલમાં ૩૪ રન બનાવ્યા હતા. પરંતુ તે સ્પિનર મેહિદી હસન મિરાઝનો પાંચમો શિકાર બન્યો હતો. ચેઝના મુશ્કેલ તબક્કા દરમિયાન અક્ષરને બેટિંગ ક્રમમાં પ્રમોશન આપવામાં આવ્યું હતું. ભારતે ત્રીજા દિવસની રમતના છેલ્લા સેશનમાં ચેતેશ્વર પૂજારાને ગુમાવતાં અક્ષરે વિરાટ કોહલી માટેની રીઝર્વ જગ્યા એટલે કે નંબર ૪ પર બેટિંગ કરી હતી. સુનિલ ગાવસ્કર અને અજય જાડેજા સહિતના ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરોએ આ ર્નિણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જમણા હાથ-ડાબા હાથનું બૅટિંગ કોમ્બિનેશન બોલરોને સ્થિર ન થવા દે એ માટે ડાબોડી અક્ષરને મોકલવામાં આવ્યો હશે, એવી દલીલ પણ નબળી જણાઇ રહી હતી, કારણ કે રિષભ પંત, ડાબોડી બૅટ્સમૅન હજુ પણ ડ્રેસિંગ રૂમમાં જ હતો.
સોની સ્પોર્ટ્સ પર એનાલિસિસ કરતી વખતે જાડેજાએ કોલ પર મજાક ઉડાવી હતી કે, રિષભ પંતે ‘ઉંઘની ગોળી’ લીધી છે કે શું? રવિવારે ભારતની જીત બાદ જાડેજાએ પુજારાને સવાલ કર્યો હતો કે શું અક્ષરને તેના આઉટ થયા બાદ બેટિંગ કરવા માટે આવતા જોઈને તેને આશ્ચર્ય થયું છે? પુજારાએ આ ર્નિણયનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, તે તબક્કે તે શા માટે નિર્ણાયક ગણાવી શકાય છે. પુજારાએ કહ્યું કે, તેમના ત્રણ સ્ટ્રાઇક બોલરોમાંથી, બે ડાબોડી સ્પિનરો છે અને તેથી તેમનો સામનો કરવા માટે આ ખૂબ જ સારો પ્લાન લાગી રહ્યો હતો. કુકાબુરા બોલ સામે સમજદારીપૂર્વક બેટિંગ કરી શકે તેવી વ્યક્તિ જરૂરી છે. અક્ષર ડાબોડી છે, અને તે રમતનો મહત્વનો તબક્કો હતો.
પુજારાએ કહ્યું કે, અમે સાંજે વધુ વિકેટ ગુમાવવા નહોતા માંગતા અને થોડી જવાબદારી સાથે બેટિંગ કરવા માંગતા હતા. તેણે આગળ ઉમેર્યું કે, તેથી મને આશ્ચર્ય ન થયું, તે અમારા માટે એક નિર્ણાયક પગલું હતું. તેણે આજે સવારે પણ રન બનાવ્યા હતા. જ્યારે તમે ૧૪૦-૧૪૫ના સ્કોરનો પીછો કરતા હોવ ત્યારે દરેક રન મહત્વનો બની જાય છે. તેથી તેણે જે રીતે બેટિંગ કરી તેની ઇનિંગ્સ અમારા માટે ખૂબ મૂલ્યવાન સાબિત થઈ હતી.