હાલમાં કોરોનાના માહોલ વચ્ચે દેશભરમાં કોરોના રસીની જ ચર્ચા થઈ રહી છે પણ મોદી સરકાર દેશમાં મહિલાઓમાં ઝડપથી વધી રહેલા સર્વાઇકલ કેન્સરને રોકવા માટે શાળા લેવલે સાવર્ત્રિક રસીકરણ કાર્યક્રમ શરૂ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા ૯ થી ૧૪ વર્ષની ઉંમરની છોકરીઓને શાળામાં જ સર્વાઇકલ કેન્સર નિવારણ માટે CERVAVAC રસી આપવામાં આવશે. જે છોકરીઓ માટે અતિ ઉપયોગી છે.
છોકરીઓ શાળામાં આ રસી મેળવી ન શકે તેમને માટે આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સર્વવેક રસીનું રસીકરણ અભિયાન ચલાવવાનો ર્નિણય નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ની ભલામણ પર લેવામાં આવ્યો છે. આ રસીને પગલે છોકરીઓને બહુ મોટો ફાયદો થશે. એક અહેવાલ મુજબ આ રસી ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ૨૦૨૩ ના મધ્ય સુધીમાં આ સ્વદેશી રૂપે તૈયાર કરવામાં આવેલ સર્વવેક રસી ભારતમાં શરૂ થઈ જશે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા આ રસીને મંજૂરી પણ આપવામાં આવી છે.
૯ થી ૧૪ વર્ષની કિશોરીઓ માટે વન-ટાઇમ કેચ-અપ રસી આપવામાં આવશે. ત્યાર બાદ ૯ વર્ષની છોકરીઓને પણ આપી શકાય છે અને ભારતમાં તૈયાર થયેલ આ HPV રસીની કિંમત રૂપિયા ૨૦૦ નક્કી કરવામાં આવી છે. શાળાઓમાં કોર્ડીનેશન માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. આ માટે સરકારે મસમોટું આયોજન કર્યું છે. જેમાં દરેક સરકારી અને ખાનગી શાળાઓમાં સંકલન કરવા માટે એક નોડલ ઓફીસરની નિમણૂક કરવા સૂચનાઓ અપાઈ છે. સરકાર ૯-૧૪ વર્ષની વયની છોકરીઓની સંખ્યાનો ડેટા તૈયાર કરશે. આ માટે સરકાર સોશિયલ મીડિયાનો પણ સહારો લઈ શકે છે.