બ્રિટને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અને માનવાધિકાર દિવસના અવસરે શુક્રવારે અનેક મોટા ર્નિણય લીધા. બ્રિટન સરકારે પાકિસ્તાનમાં જબરદસ્તીથી ધર્માંતરણ કરાવવા અને હિન્દુ સહિત અનેક ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયની યુવતીઓના જબરદસ્તીથી લગ્ન કરાવવાના આરોપી મૌલાના સહિત માનવાધિકારોનું હનન કરનારા અનેક ભ્રષ્ટ અધિકારીઓ અને સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવ્યા છે. આવી કુલ ૩૦ વ્યક્તિઓ, અધિકારીઓ, અને સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. કોના પર મૂક્યા પ્રતિબંધ તે જાણો… બ્રિટનના વિદેશમંત્રી જેમ્સ ક્લેવરલી તરફથી શુક્રવારે બહાર પાડવામાં આવેલી પ્રતિબંધિત લોકો તથા સંસ્થાઓની નવી યાદીમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ઘોટકામાં આવેલા ભરચુંડી શરીફ દરગાહના મિયા અબ્દુલ હકનું પણ નામ સામેલ છે.
આ યાદીમાં કેદીઓને હેરાન કરનારા, સૈનિકોને મહિલાઓના બળાત્કાર કરવા માટે કહેનારા અને વ્યવસ્થિત અત્યાચારમાં સામેલ લોકો અને સંસ્થાઓના નામ પણ સામેલ છે. તેના પર બ્રિટને આપ્યું આ નિવેદન તે જાણો… જેમ્સ ક્લેવરલીએ કહ્યું કે દુનિયાભરમાં સ્વતંત્ર અને મુક્ત સમાજને પ્રોત્સાહન આપવું એ અમારી ફરજ છે. આજે અમારા તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધો એવા લોકોનો પર્દાફાશ કરશે, જે આપણા મૂળભૂત અધિકારોનું ઘોર ભંગ કરનારાઓની પાછળ છે. અમે ભય પર સ્વતંત્રતાના ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે અમારી પાસે રહેલા દરેક ઉપાયનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
અત્રે જણાવવાનું કે મૌલાના હક રાજનીતિક નેતા છે. તેઓ સિંધમાં સ્થાનિક સ્તરે પ્રભાવશાળી છે. તેમના પ્રાંતમાં મોટાભાગે હિન્દુઓનું જબરદસ્તીથી ધર્માંતરણ કરાવવા બદલ અનેક વર્ષોથી આલોચના થઈ રહી છે. બ્રિટનની પ્રતિબંધ લગાવનારી સૂચિમાં કહેવાયું છે કે સિંધના ઘોટકીમાં ભરચુંડી દરગાહના મૌલાના મિયા અબ્દુલ હક બિન મુસ્લિમ અને સગીરાઓના જબરદસ્તીથી લગ્ન કરાવવા અને ધર્માંતરણ કરાવવા માટે જવાબદાર છે. હવે આ પ્રતિબંધિત લોકોની યાદીમાં સામેલ લોકોની બ્રિટનમાં સંપત્તિ જપ્ત કરાશે અને તેમના મુસાફરી કરવા ઉપર પણ રોક લાગશે. આ સાથે જ બ્રિટનના કોઈ પણ નાગરિક, કંપની કે સંસ્થા તેમની સાથે કોઈ પણ પ્રકારના વેપારી સંબંધ રાખી શકશે નહીં અને ન તો તેમને ફંડ આપી શકશે. આ પ્રતિબંધોમાં રશિયા, યુગાન્ડા, મ્યાંમાર અને ઈરાનના લોકો પણ સામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યવાહી થઇ આ લોકો ઉપર તે જાણો… યુક્રેનના અલેક્ઝાન્ડર કોસ્તેન્કોને ૨૦૧૫માં હેરાન કરવા બદલ ક્રિમિયામાં રશિયન ફેડરલ સુરક્ષા સેવાના સભ્ય એન્ડ્રે તિશેનીન અને ક્રિમિયા સ્વાયત્ત ગણરાજ્યના વરિષ્ઠ અધિકારી આરતુર શામબજોવ ઉપર પ્રતિબંધ લાગ્યા છે. આ ઉપરાંત રશિયાના ન્યાયાધિશ અને અભિયોજક પર પ્રતિબંધ લગાવાયા છે. ઈરાનની ન્યાયપાલિકા અને કારાગાર વ્યવસ્થા સંલગ્ન ૧૦ અધિકારીઓ ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. મ્યાંમારમાં જુંટા (સૈન્ય શાસક) પર બળાત્કાર અને યૌન હિંસાના આરોપોને લઈને પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.