રાત્રે ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય યુવાનનું પાંચ શખ્સોએ તેના ઘરમાં ઘૂંસી અપહરણ કરી રૂપિયા બે લાખની ખંડણી માંગી હતી પરંતુ પોલીસની સતર્કતા ને પગલે અપહરણકારો પોતાનો બદ્દમનસૂબો પાર પાડે એ પહેલાં જ ગારીયાધાર પોલીસે ઝડપી લીધા હતા.
સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા અને ફીનાઈલ બ્લિચિંગ પાઉડર સહિતની ચિઝવસ્તુઓનુ છુટક વેચાણ કરતો મૂળ બિહારનો યુવાન મોહમ્મદ ફારૂક મોહમ્મદ મજનુ કરીમન ઉ.વ.૨૫ હાદાનગર માં ભાડાના મકાનમાં રાત્રે બેઠો હોય એ દરમ્યાન ઈકો કારમાં આવેલા પાંચ અજાણ્યા શખ્સોએ બિહારી યુવાનના ઘરમાં ઘૂંસી ધમકાવી કારમાં અપહરણ કરી નાસી છુટ્યા હતાં અને રસ્તામાં યવાનને માર મારી તેના ખીસ્સામાં રહેલ ૧૬૦૦ કાઢી લીધા હતા અને જો જીવિત રહેવું હોય તો તારા સબંધીઓ પાસેથી બે લાખ રૂપિયા મંગાવ એમ જણાવ્યું હતું.
આ ઘટના અંગે અપહ્તના ભાઈએ ડી/ડીવીઝન પોલીસને જાણ કરતાં સમગ્ર બનાવને ગંભીરતા થી ધ્યાનમાં લઈને જિલ્લામાં નાકાબંધી ના આદેશો આપ્યાં હતાં દરમ્યાન અપહરણકારો એ કાર ગારીયાધારથી સાવરકુંડલા તરફ રવાના કરતાં ગારીયાધાર પોલીસે આ કારનું પગેરું દબાવી કારનો પીછો કરી કારને અટકાવી અપહ્ત યુવાનને છોડાવી ડી-ડીવીઝન પોલીસને જાણ કરતાં ડી-ડીવીઝન પોલીસે ભોગગ્રસ્ત યુવાન તથા અપહરણકારોનો કબ્જો લીધો હતો જેમાં અપહરણકારોના નામ આ મુજબ છે માહિર અલારખ સમા રે.સાવરકુંડલા પરવેઝ ઉર્ફે પેન્ટર ઈકબાલ કુરેશી રે.સાવરકુંડલા વસીમ જીવા રાઠોડ રે.સાવરકુંડલા નૌશાદ ઉર્ફે નવલો મહેબૂબ કુરેશી રે.સાવરકુંડલા તથા અમજદ દિલાવર પઠાણ રે.સાવરકુંડલા વાળાને મારૂતિ ઈકો કાર કિંમત રૂ.૧ લાખ, મોબાઈલ પાંચ કી. ૨૦,૫૦૦ રોકડા રૂપિયા ૨૯૪૦ તથા એક છરી રૂપિયા ૫૦ મળી કુલ રૂ.૧,૨૩,૪૯૦ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.