શહેરમાં ૧૪૪ની કલમ લગાવ્યાના સમાચાર હવાની જેમ ફેલાઈ ગયા હતા. ત્યારે આ અફવાને કારણે ઘણાં લોકો મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. આ મામલે મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર વિશ્વાસ નાંગરે પાટિલે ટિ્વટરના માધ્યમથી વીડિયો ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી. તેમણે વીડિયોમાં કહ્યુ હતુ કે, ‘મુંબઈમાં IPC ધારા ૧૪૪ લગાવવાના આદેશ જમાવબંદી માટે લાગુ કરવામાં આવી છે. આ સમાચાર ખોટા છે. કૃપા કરીને આ વાતને પહેલાં સમજી લો. જે લોકો ગેરકાયદેસર રીતે મોરચો કાઢવા માગે છે, જે લોકો કાયદા-વ્યવસ્થાને ડિસ્ટર્બ કરવા માગે છે, તેમની સામે કલમ ૩૭-૧(૩) અંતર્ગત આ પ્રકારનો આદેશ દર ૧૫ દિવસે જાહેર કરવામાં આવે છે. આ આદેશને કોઈ પારિવારિક ફંક્શન, એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ, સ્કૂલ-કોલેજ, કલ્બ્સ વગેરેની કામગીરી સાથે કોઈ લેવાદેવા નથી. તેથી કોઈ આ આદેશને લઈને ચિંતા ના કરે. અફવાઓ ન ફેલાવે. દરરોજનું સામાન્ય જીવન ચાલુ રાખો.
આ ઉપરાંત તેમણે મીડિયાને વિનંતી કરતા કહ્યુ હતુ કે, ‘મીડિયાને પણ વિનંતી છે કે, જે આદેશ દર ૧૫ દિવસે જાહેર કરવામાં આવે છે. તેને સમાચાર તરીકે ના લેવો જોઈએ, કારણ કે તે લોકોને અસમંજસમાં મૂકી દે છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં અચાનક કલમ ૧૪૪ લાગુ કરવાનું એલાન કર્યું છે. શહેરમાં શાંતિ જાળવવા માટે અને સાર્વજનિક વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે તેના માટે મુંબઈ પોલીસે ૪ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી સુધી શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી હતી. આ દરમિયાન પાંચ અથવા તેનાથી વધારે લોકો એક સાથે એક જગ્યા પર એકઠાં થઈ શકશે નહીં.