પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવજોત સિંહ સિદ્ધુ રોડ રેજ કેસમાં સજા કાપી રહ્યા છે. ઘણા રાજકીય નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ હાઈકમાન્ડ તેમને એક વર્ષમાં ભૂલી જશે, પરંતુ એવું થયું નહીં. હવે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સિદ્ધુને પત્ર લખ્યો છે. આ પત્રમાં શું હતું તે જાણી શકાયું નથી, પરંતુ પંજાબના રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છેકે જેલમાંથી બહાર આવતા જ નવજોત સિંહ સિદ્ધુને મોટી જવાબદારી મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પંજાબમાં સિદ્ધુનું મહત્વ સમજે છે. આવી સ્થિતિમાં તેમને ભૂલી શકાય તેમ નથી. પ્રિયંકાના પત્ર બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જેલમાંથી બહાર આવતા જ સિદ્ધુને મોટી જવાબદારી મળી જશે. આવતા વર્ષે ૯ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેમાં સિદ્ધુ મહત્વની ભૂમિકા ભજવશે.
જો કે કોંગ્રેસના ઘણા નેતાઓએ આ પત્રની પુષ્ટિ કરી, પરંતુ તેમાં શું લખ્યું છે તે કોઈએ જણાવ્યું નથી. કેમ જેલમાં છે સિદ્ધુ? તે જાણો…આ કેસ ત્રણ દાયકા જૂનો છે. ૨૭ ડિસેમ્બર ૧૯૮૮ના રોજ સિદ્ધુ તેના મિત્ર રૂપિન્દર સિંહ સંધુ સાથે પટિયાલાના શેરાવલે ગેટ માર્કેટ જઈ રહ્યા હતા. આ એ સમય હતો જ્યારે સિદ્ધુ દેશના જાણીતા ક્રિકેટરોમાંના એક હતા. તે દિવસે કાર પાર્ક કરતી વખતે તેમનો વૃદ્ધ ગુરનામ સિંહ સાથે ઝઘડો થયો હતો. એવો આરોપ છે કે સિદ્ધુએ તેમને ઘૂંટણથી મારીને પાડી દીધા હતા. જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થયું હતું. ગુરનામના પરિવારે આ ઘટના માટે સિદ્ધુને જવાબદાર ગણાવ્યા હતા. મામલો કોર્ટમાં પહોંચ્યો અને મે ૨૦૨૨માં તેને એક વર્ષની સજા ફટકારવામાં આવી. તમને જણાવી દઈએ કે સિદ્ધુ પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબ પીસીસીના ચીફ હતા, પરંતુ આંતરિક મતભેદને કારણે તેમણે ચૂંટણી પહેલા રાજીનામું આપી દીધું હતું. જોકે, બાદમાં હાઈકમાન્ડે તેમને સમજાવ્યા અને તેઓ રાજી થયા. આ પછી તેઓ અમૃતસર પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ આમ આદમી પાર્ટીના જીવન જ્યોત કૌર દ્વારા હાર્યા હતા.