દિલ્હીના હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર એક રેલવે કર્મચારી દ્વારા છેતરપીંડીનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ટિકિટ કાઉંટર પર બેઠેલા એક શખ્સે ૫૦૦ રૂપિયાની નોટને ૨૦ રૂપિયાની નોટ સાથે બદલતો જોઈ શકાય છે. ત્યાર બાદ પેસેન્જરને ૧૨૫ રૂપિયાની ટિકિટ આપવા માટે વધુ પૈસાની માગ કરી રહ્યો છે. આ મામલો દિલ્હી મંડલ, ઉત્તર રેલવેને ધ્યાનમાં આવ્યો છે અને કહ્યું કે, કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. રેલવે કર્મચારીની આવી કરતૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોને શુક્રવારે Rail Whispers નામના યુઝર્સે ટિ્વટર પર શેર કર્યો હતો. પોસ્ટની સાથે કેપ્શનમાં જણાવ્યા અનુસાર, આ વીડિયો ૨૨ નવેમ્બરનો છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યું છે કે, પેસેન્જર ગ્વાલિયર માટે સુપરફાસ્ટ ટ્રેનની ટિકિટ ખરીદવા ગયો હતો. તેના માટે તેણે ટિકિટ કાઉંટર પર ૫૦૦ની નોટ આપી છે. રેલવે કર્મચારીએ તેને આપેલી ૫૦૦ની નોટ નીચે પાડી દીધી અને પોકેટથી ૨૦ રૂપિયા કાઢીને વધુ પૈસાની માગ કરી હતી. ઘટનાનો વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો સોશિયલ મીડિયા પર કેટલાય યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. એક યુઝર્સે કહ્યું કે, મેં પહેલી વાર આવું જોયું, આ ખતરનાક છે. જો પેસેન્જરે રેકોર્ડીંગ ન કર્યું હોત તો ખબર નહીં શું થાત. તો વળી અન્ય એક યુઝર્સે કહ્યું કે, મારી સાથે આવું ચેન્નાઈમાં થઈ ચુક્યું છે.