શ્રદ્ધા હત્યા કેસમાં રોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ આફતાબે શ્રદ્ધાને અનેકવાર મારવાની કોશિશ કરી હતી. એટલું જ નહીં હત્યા કર્યા બાદ ફ્રિજમાં રાખેલા શ્રદ્ધાના માથાનો મેકઅપ પણ કર્યા કરતો હતો અને પોલીસ પૂછપરછમાં પાગલ હોવાનું નાટક કરી રહ્યો છે. જેથી કરીને સજામાં છૂટ મળી શકે. સૂત્રોના જણાવ્યાં મુજબ આફતાબનો નાર્કો ટેસ્ટ પણ થઈ શકે છે. આફતાબ કેવો વિકૃત માનસિકતા ધરાવતો હતો તે જાણીને તમે હચમચી જશો. તેણે શ્રદ્ધાનું માથું ફ્રિજમાં સૌથી આગળ રાખ્યું હતું. હત્યા બાદ તે મહારાષ્ટ્ર સહિત અને રાજ્યોમાં ગયો. જો કે એફએસએલની ટીમને ફ્રિજમાંથી કોઈ પુરાવો મળ્યો નથી. પરંતુ કિચનમાંથી લોહીના નમૂના મળ્યા છે. જેની તપાસ થઈ રહી છે.
આફતાબે બ્રેકઅપ દેખાડવા માટે ષડયંત્ર રચ્યું હતું. તેણે હત્યા બાદ શ્રદ્ધાના ફોનથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને પોતાને ૫૪ હજાર રૂપિયા મોકલ્યા હતા. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ આફતાબે પોલીસને જણાવ્યું કે જ્યારે પણ તેનો શ્રદ્ધા સાથે ઝઘડો થતો હતો ત્યારે તેના મનમાં એવો ખ્યાલ આવતો હતો કે શ્રદ્ધાને મારી નાખવી જોઈએ, પરંતુ પકડાઈ જવાના ડરથી તેણે ક્યારેય હિંમત કરી નહીં કારણ કે મુંબઈમાં શ્રદ્ધાના અનેક મિત્રો તેને સતત મળતા હતા અને સંપર્કમાં રહેતા હતા.
આફતાબે પોલીસને એ પણ જણાવ્યું કે હત્યા કર્યા બાદ તે ઘણો ગભરાઈ ગયો હતો. તેને લાગતું હતું કે તે પકડાઈ જશે. ત્યારબાદ તેણે ર્નિણય લીધો કે તે ખુબ જ નોર્મલ જિંદગી જીવશે અને કોઈને પણ તેના હાવભાવથી શક થવા દેશે નહીં કે તેણે શ્રદ્ધાનું ખૂન કરી નાખ્યું છે. આથી તેણે લગભગ ૨ મહિનામાં ૧૮ અલગ અલગ જગ્યાએ જઈને શ્રદ્ધાની લાશના ટુકડાં અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા. કોઈને શક ન થાય એટલે કે શ્રદ્ધાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ અપડેટ કરતો રહેતો હતો.