યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ હાલમાં કહ્યું હતું કે યુદ્ધના અંતની શરૂઆત થઈ ગઈ છે. ખેરસોનમાં રશિયાની સેના પાછળ હટ્યા બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું. આ નિવેદનના એક દિવસ બાદ કીવમાં ૨ ધમાકા હોવાના સમાચાર સામે આવ્યા છે. મંગળવાર, ૧૫ નવેમ્બર ૨૦૨૨ના કીવમાં ઓછામાં ઓછા બે ધમાકાનો અવાજ સંભળાયો હતો. આ ધમાકા બાદ ત્યાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.
રોયટર્સ પ્રમાણે, રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ બાલીમાં બેઠક કરી રહેલા ૨૦ દેશોના સમૂહના નેતાઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કર્યા અને તેમના આ સંબોધનના કેટલાક કલાકો બાદ યુક્રેન ભરમાં હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી. આ ચેતવણી બાદ બે વિસ્ફોટ થયા, જેનો અવાજ કીવ શહેરે સાંભળ્યો અને ધુમાડો જોવા મળ્યો હતો. તો યુક્રેનની વાયુ સેનાના પ્રવક્તાનું કહેવું છે કે રશિયાએ દેશભરમાં કરેલા હુમલામાં લગભગ ૧૦૦ મિસાઇલ છોડી છે. ખેરસોન છોડ્યા બાદ રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર હુમલો તેજ કરી દીધો છે.
મંગળવારે રશિયન સેના દ્વારા કીવ પર બે ખતરનાક મિસાઈલ હુમલામાં બે રહેણાંક ઈમારતોને નિશાન બનાવવામાં આવી છે. હુમલા બાદ શહેરમાં ખતરાની સાયરન વાગવા લાગી હતી. ખેરસોનમાંથી રશિયન દળોની હકાલપટ્ટી બાદ આ સૌથી મોટો હુમલો છે. તે જ સમયે, યુક્રેન દ્વારા તૈનાત એર ડિફેન્સ સિસ્ટમે પણ ઘણી રશિયન મિસાઇલોને તોડી પાડી છે. ત્યારબાદ યુક્રેની અધિકારીઓએ ઇમરજન્સી વીજળી આપૂર્તિ બંધ કરવા (બ્લેકઆઉટ) ની જાહેરાત કરી. રશિયાએ ઉર્જા અને અન્ય પ્રતિષ્ઠાનો પર હુમલો કર્યો ત્યારબાદ રાજધાની કીવ સહિત અન્ય સ્થળો પર વીજળીની સપ્લાય બંધ કરી દીધી છે. યુક્રેનના એક વરિષ્ઠ અધિકારીએ સ્થિતિને ગંભીર જણાવી અને દેશવાસીઓને વીજળીનો ઓછો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો છે. વીજળી પ્રદાતા કંપની ડીટીઈકેએ રાજધાનીમાં ઇમરજન્સી બ્લેકઆઉટની જાહેરાત કરી છે. અધિકારીઓએ અન્ય જગ્યા પર પણ આ પ્રકારના પગલાની જાહેરાત કરી છે. કીવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ કહ્યું કે શહેરમાં એક આવાસીય ઇમારતમાં એક મૃતદેહ મળ્યો છે. રશિયાએ આ ઇમારતને નિશાન બનાવી હતી. ઝેલેન્સ્કીના સંબોધન બાદ રશિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રશિયાએ નવા મિસાઇલ હુમલાની સાથે જી-૨૦માં ઝેલેન્સ્કીની પાવરફુલ સ્પીચનો જવાબ આપ્યો છે. રાષ્ટ્રપતિ સ્ટાફના પ્રમુખ એન્ડ્રી યમરકે ટિ્વટર પર લખ્યુ કે શું કોઈ ગંભીરતાથી વિચારે છે કે ક્રેમલિન વાસ્તવમાં શાંતિ ઈચ્છે છે. આ આજ્ઞાનું પાલન કરવા ઈચ્છે છે. અંતમાં તે આતંકવાદી હંમેશા હારે છે.