ઓસ્ટ્રેલીયા ખાતે તાજેતરમાં યોજાયેલી ઇન્ટરનેશલ શુટીંગ સ્પોર્ટસ ફેડરેશન (ISSF) ૧૦ મીટર એર રાઇફલના જુનિયર વિશ્વકપમાં ગોલ્ડ મેડલ મેળવનાર અમદાવાદની શુટીંગ પ્લેયર કુ. ઇલાવેનીલ વાલરીવનનો સન્માન-શુભેચ્છા સમારોહ અનંત યુનિવર્સિટી, સંસ્કારધામ ખાતે યોજાયો હતો. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલ દ્વારા ઇલાવેનીલનું સમ્માન કરવામાં આવ્યું હતું.
ઇલાવેનીલને સન્માનતા મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની શક્તિદૂત યોજનાની સ્પર્ધક લાભાર્થી ઇલાવેનિલે ગુજરાત જ નહીં દેશ આખાને ગૌરવ અપાવ્યું છે. રાજ્યના યુવા ખેલાડીઓની પ્રતિભા-કૌશલ્યને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઝળહળતી સિધ્ધિઓ મળે તે માટે ખેલ મહાકુંભનું આયોજન પ્રતિવર્ષ થાય છે. ડી.એલ.એસ.એસ. યોજના અંતર્ગત સંસ્કારધામને રમત-ગમતની તાલીમ માટે રૂા.૫.૮૧ કરોડની સહાય અપાઇ છે. આ સંસ્થાએ પણ વિદ્યાર્થીઓના રમતગમત કૌશલ્યને ઉજાગર કરવા સરાહનીય કામગીરી કરી છે. રાજ્યના મહત્તમ ખેલાડીઓ આવી સિધ્ધિ હાંસલ કરે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.
ઇલાવેનિલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, મને આ ક્ષેત્રે પહોંચવામાં ગુજરાત સરકાર અને સંસ્કાર ધામ સંસ્થનો મોટો ફાળો રહ્યો છે. ડીસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કુલ તરીકે સંસ્કારધામ સંસ્થાએ મારી કારકિર્દી ઘડતરમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
સચિવ વી.પી.પટેલે જણાવ્યું હતું કે, ઇલાવેનિલે અપ્રતિમ સિધ્ધિ હાંસલ કરીને ગુજરાત અને ભારતને મુઠ્ઠી ઉચેરૂ સ્થાન આપ્યું છે. ક્વોલીફાય રાઉન્ડમાં ૬૩૪.૧નો સ્કોર કરીને ઇલાવેનિલે વિશ્વ વિક્રમ પોતાના નામે કર્યો છે. સાથે સાથે ટીમ ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે. આવી અનેક સિધ્ધિઓ હાંસલ કરીને ઇલાવેનિલે સાચા અર્થમાં રાજય સરકાર દ્વારા ચલાવાતા ડીસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કુલની યોજનાને મૂર્તિમંત કરી છે. સમગ્ર રાજ્યમાં આ યોજના હેઠળ ૨૧૦૦ વિદ્યાર્થીઓ તાલીમ લઇ રહ્યા છે અને આગામી સમયમાં ૫૦૦૦ વિદ્યાર્થીઓને તાલીમ આપવાનો લક્ષ્યાંક છે એમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈલાવેનિલેએ ૧૦ મીટર વિમેન્સ એર રાઈફલ્સ ઈવેન્ટ જુનિયર વર્લ્ડ કપમાં પ્રથમ વખત જ રમીને પ્રથમ સ્પર્ધામાંજ ટીમમાં ૬૩૧.૪ ક્વાલીફિકેશન સ્કોર કરી પોતાના નામે નવો વિશ્વ વિક્રમ કર્યો છે.
ગુજરાતમાં પ્રતિભાશાળી ખેલાડીઓને પસંદ કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડી તરીકે તેમનું કૌશલ્ય વર્ધન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ‘શક્તિ દૂત’ યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના હેઠળ પ્રતિભાવંત ખેલાડીઓને નીડ બેઝ સહાય કરાય છે. ઈલાવેનિલ આ યોજના હેઠળ પસંદગી પામેલ ખેલાડી છે અને અત્યાર સુધી રૂ. ૧.૫૦ લાખની નીડ બેઝ સહાય અપાઈ છે. આ યોજના હેઠળ ખેલાડીઓને ડીસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલમાં પ્રારંભિક તાલીમ અપાય છે. ઈલાવેનિલે અમદાવાદ નજીકની સંસ્કાર ધામમાં પ્રારંભિક તાલીમ મેળવી હતી અને હાલમાં તે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. ઈલાવેનિલે હાલ પુને ખાતે પ્રખ્યાત શુટર ગગન નારંગની સંસ્થા ‘ગન ફોર ગ્લોરી’ માં તાલીમ લઈ રહી છે.
ઈલાવેનિલે ૧૪ માર્ચ થી ૧૮ માર્ચ’ ૨૦૧૮ દરમ્યાન મલેશિયા ખાતે યોજાયેલ વર્લ્ડ યુનિવર્સિટી શુટીંગ ચેમ્પિયનશીપમાં પણ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવા પસંદગી પામી હતી જેમાં તેણે ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ અને વ્યક્તિગત ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લીધેલ દેશોમાંથી માત્ર બે જ દેશ ગોલ્ડ મેડલ જીતી શક્યા હતા.