ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ વર્ષે ૨૩ એપ્રિલથી ૩૦ એપ્રિલ દરમિયાન ૨૯મા રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવાનું નક્કી કર્યુ છે. ‘‘સડક સુરક્ષા-જીવન રક્ષા’’ના વિષયને કેન્દ્ર સ્થાને રાખીને આ સપ્તાહ દરમિયાન માર્ગ સુરક્ષા માટે લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે.
કેન્દ્રના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સંયુક્ત સચિવ અભય દામલેના જણાવ્યા પ્રમાણે એક અંદાજ મુજબ દેશભરમાં પ્રતિવર્ષ માત્ર માર્ગ અકસ્માતમાં જ દોઢ લાખ લોકોની જિંદગી હોમાઇ જાય છે. માર્ગ અકસ્માતનો ભોગ બનતી માનવ જિંદગીને બચાવવા સૌથી મહત્વની બાબત માર્ગ અકસ્માતને ઘટાડવાની છે ત્યારે રાષ્ટ્રીય કક્ષાએથી ઉજવાતા માર્ગ સુરક્ષા સપ્તાહ દરમિયાન ગુજરાત રાજ્યમાં પણ માર્ગ સુરક્ષા એક સામાજિક ચળવળ બને અને લોકજાગૃતિ ફેલાય તે માટે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંકલનમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.