પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે ઈમરાન ખાનના કટ્ટર દુશ્મન અસીમ મુનીર પાકિસ્તાનના આગામી આર્મી ચીફ બની શકે છે. અસીમ મુનીર એ વ્યક્તિ છે જે પીએમ હાઉસની જાસૂસી પણ કરી ચૂક્યા છે. ઈમરાન ખાનના પ્રધાનમંત્રી કાર્યકાળ દરમિયાન અસીમ મુનીરે તેને અંજામ આપ્યો હતો. ત્યારથી જ ઈમરાન ખાન અને અસીમ મુનીર વચ્ચે કટ્ટર દુશ્મની છે.
પાકિસ્તાનના આગામી આર્મી ચીફ બનવાની રેસમાં અસીમ મુનીર સૌથી આગળ હોવાનું મનાય છે. જો અસીમ મુનીર આર્મી ચીફ બનશે તો ઈમરાન ખાન માટે ખરાબ સમાચાર કહી શકાય. પાકિસ્તાનના હાલના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા ૨૯ નવેમ્બરે રિટાયર થઈ રહ્યા છે. જો કે હજુ તેની પુષ્ટિ નથી કરાઈ કે જનરલ બાજવા પોતાનો કાર્યકાળ આગળ વધારશે કે નહીં. આ અગાઉ સપ્ટેમ્બરમાં બાજવા રિટાયર થવાના હતા પરંતુ તેમણે પોતાનો કાર્યકાળ આગળ વધાર્યો હતો. પાકિસ્તાનના આગામી આર્મી ચીફ કોણ બનશે તેના પર દેશના હાલાત પ્રમાણે ર્નિણય લેવામાં આવી શકે છે. પરંતુ આ બધા વચ્ચે પાકિસ્તાનના આગામી આર્મી ચીફ તરીકે અસીમ મુનીરના નામની ખુબ ચર્ચા થઈ રહી છે.
કોણ છે અસીમ મુનીર?… લેફ્ટેનન્ટ જનરલ અસીમ મુનીર ઈન્ટેલિજન્સ સર્વિસ આઈએસઆઈ ના ચીફ રહી ચૂક્યા છે. ઓક્ટોબર ૨૦૧૮માં અસીમ મુનીરને આઈએસઆઈના ચીફ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેઓ માત્ર ૮ મહિના જ આ પદ પર રહી શક્યા. અત્રે જણાવવાનું કે લેફ્ટેનન્ટ જનરલ અસીમ મુનીરે તત્કાલિન પ્રધાનમંત્રી ઈમરાન ખાનના સમયમાં પીએમ હાઉસની જાસૂસી કરી હતી અને તેમના ભ્રષ્ટાચાર વિશે જણાવ્યું હતું. જો કે આ આરોપો બાદ અસીમ મુનીરને આઈએસઆઈ ચીફ પદેથી હટાવવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે લેફ્ટેનન્ટ જનરલ અસીમ મુનીર હાલના આર્મી ચીફ કમર જાવેદ બાજવાની નીકટ હોવાનું કહેવાય છે. પ્રધાનમંત્રી પાસે મોકલવામાં આવેલી યાદીમાં અસીમ મુનીરનું નામ સૌથી ઉપર હોઈ શકે છે. લેફ્ટેનન્ટ જનરલ અસીમ મુનીર હાલ રાવલપીંડીમાં સ્થિત જનરલ હેડક્વાર્ટરમાં ક્વાર્ટર માસ્ટર જનરલના પદે તૈનાત છે. મળતી માહિતી મુજબ લેફ્ટેનન્ટ જનરલ અસીમ મુનીર ઓપન ટ્રેનિંગ સર્વિસ ના માધ્યમથી પાકિસ્તાનની સેનામાં સામેલ થયા હતા.