આઝાદ ભારતના પ્રથમ વોટર શ્યામ સરન નેગીનું ૧૦૬ વર્ષની ઉંમરે હિમાચલ પ્રદેશના તેમના પૈતૃક ઘર કલ્પામાં નિધન થઈ ગયું. શ્યામ સરન નેગીએ ૩ દિવસ પહેલા જ હિમાચલ પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણી માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. ગત બુધવારે શ્યામ સરન નેગીએ કિન્નૌર વિધાનસભા ક્ષેત્રમાં મતદાન કર્યું હતું. ઓફિશિયલ રેકોર્ડ મુજબ શ્યામ સરન નેગીએ ૧૯૫૧-૫૨માં આઝાદ ભારતમાં થયેલી પહેલી ચૂંટણીમાં મતદાન કર્યું હતું. ગત બુધવારે શ્યામ સરન નેગીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાથી લગભગ ૨૭૫ કિલોમીટર દૂર સ્થિત પોતાના ગામ કલ્પામાં કહ્યું હતું કે ૧૯૪૭થી ભારતને આઝાદી મળ્યા બાદથી મે ક્યારેય મતદાનની એક પણ તક ગુમાવી નથી અને મને આ વખતે પણ મતદાન કરવામાં ખુશી થઈ રહી છે.
અત્રે જણાવવાનું કે ગત વર્ષે પણ શ્યામ સરન નેગીએ મંડી લોકસભા પેટાચૂંટણી માટે મતદાન કર્યું હતું. પહેલાની જેમ જ તેમણે આ વખતે પણ યુવાઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. લોકતંત્રમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા શ્યામ સરન નેગીએ પંચાયતથી લઈને લોકસભા સુધી દરેક ચૂંટણીમાં મતદાન કર્યું હતું. તેઓ ક્યારેય મતદાનથી વંચિત રહ્યા નથી. દિવંગત રિટાયર્ડ સ્કૂલ ટીચર શ્યામ સરન નેગી ૧૯૫૧માં ચૂંટણી ડ્યૂટી પર હતા. તે સમયે દેશના અન્ય સ્થાન કરતા પહેલા પહાડી રાજ્યના બર્ફિલા વિસ્તારોમાં મતદાન થયું હતું.
શ્યામ સરન નેગીનો જન્મ જુલાઈ ૧૯૧૭માં થયો હતો. તેમણે પોતાના જીવનમાં ૧૬ વખત લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું. તેમના પાર્થિવ શરીરને તિરંગામાં લપેટીને શોંગઠોંગ સ્થિત સતલજ કિનારે સ્મશાન ઘાટ સુધી લઈ જવાયું. અહીં હોમગાર્ડ બેન્ડ વગાડીને રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરાઈ. આ દરમિયાન કિન્નૌર પોલીસે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. નેગીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.