નવસારી શહેરમાં ફાયરબ્રિગેડ સુવિધા વધારવા ૩.૬૦ કરોડના ખર્ચે નવા વાહનો, સાધનો લેવાનો પાલિકાએ ર્નિણય કર્યો છે. પાલિકા પાસે જે હાલમાં ફાયરના વ્હિકલો છે તેમાં અનેક વ્હિકલો ૧૩થી ૧૪ વર્ષ જૂના છે. વિજલપોર અને નજીકના ૮ ગામોને ભેળવી દેવાતા નવા નવસારી-વિજલપોર નગરપાલિકાનો કાર્યવિસ્તાર પણ વધ્યો છે. વિસ્તાર વધતા ફાયરબ્રિગેડના જવાબદારી પણ વધી છે. પાલિકા હસ્તકના ૪ ફાયર સ્ટેશનો છે અને વાહનો અનેક છે પણ અનેક વાહનો વર્ષો જૂના હોય નવા ખરીદવાની જરૂરિયાત પણ ઉભી થઇ ગઈ છે.
મળતી માહિતી મુજબ પાલિકા પાસેથી કેટલાક સાધનો તો ૧૩ -૧૪ વર્ષથી પણ જૂના છે, આ સ્થિતિમાં કેટલાક નવા સાધનો લેવાના કામને મંજૂરી અપાઈ છે. પાલિકાની સામાન્ય સભાએ ૩.૬૦ કરોડ રૂપિયાના ખર્ચે વોટર blauzer, મલ્ટી પર્પઝ વ્હિકલ અને મિની ટેન્કર ખરીદવાના કામને મંજૂરી આપી દીધી છે. હજુ પણ કેટલીક સુવિધા વધારવાની જરૂરિયાત હોવાનું જાણવા મળે છે. નવસારીમાં છેલ્લા કેટલાક સમયથી ફાયરબ્રિગેડ માટે હાઇડ્રોલિક લેડર પણ જરૂરી છે કારણકે શહેરમાં અનેક હાઇરાઈઝ બિલ્ડિંગો છે. અહીં આગ લાગે તો ઉચે પહોંચવામાં મુશ્કેલી પડે એમ છે. તે ખૂબ મોંઘું પણ છે. જોકે શહેરમાં હજુ સુધી અંડરગ્રાઉન્ડ વાયરીંગ નહીં હોવાના કારણે હાઇડ્રોલિકના ઉપયોગમાં મુશ્કેલી પડતી હોય પાલિકા ખરીદ કરતી નથી એમ જાણવા મળે છે.