ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ભાજપના કદાવર નેતા ગણાતા અને પંચમહાલ લોકસભાના ભુતપુર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ભાજપને છોડીને અચાનક કોંગ્રેસનો ખેસ ધારણ કરી લેતાં પંચમહાલના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. પંચમહાલ જીલ્લાના ભાજપના કદાવર નેતા અને ગુજરાત સરકારમાં મંત્રી તેમજ પંચમહાલ લોકસભા સીટના પુર્વ સાંસદ રહી ચુંકેલા પ્રભાતસિહ ચૌહાણે એકાએક ભાજપને વિદાય કહીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. પ્રભાતસિંહ ચૌહાણ ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં નજરે પડતાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પણ અચંબામાં પડી ગયા હતા. જેમાં પ્રભાતસિંહ ચૌહાણને કોંગ્રેસ મહામંત્રી મોહન પ્રકારા અને અમિત ચાવડાએ ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યુ હતુ.
નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થાય તે પહેલા ભાજપ દ્વારા પંચમહાલ જિલ્લાની સેન્સ પ્રકિયા રાખવામાં આવી હતી. કમલમ ખાતે પણ ચુંટણી નિરિક્ષકો સમક્ષ પ્રભાતસિંહ ચૌહાણે કાલોલ તેમજ ગોધરા બેઠક માટે ટીકીટ માટે દાવેદારી નોંધાવી હતી. પરંતુ આજે અચાનક ભાજપને છોડીને કોંગ્રેસનો ખેસ પહેરી લેતાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. કોંગ્રેસમાં વિધિવત રીતે ખેસ પહેરીને જોડાયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપનું શાસન જોઈ મારો આત્મા દુભાયો છે.
હું ગુજરાતમાં અને પંચમહાલમાં કોંગ્રેસની સીટો જીતાડવા દિલથી જોડાયો છું. કોંગ્રેસમાંથી મારા પરિવારમાંથી કોઈ ઉભુ રહેવાનું નથી અને હું પોતે છું. પાર્ટી કેશે ત્યાંથી લડીશું. ગોધરા અને કાલોલ સીટ પણ છે. મારા પુત્રવધુને ભાજપમાંથી ટીકીટ મળવાની નથી તેમ કહીને તેમણે વધુ જણાવ્યું હતુ કે કોંગ્રેસને બેઠી કરવા જોડાયો છું અને કોંગ્રેસને બેઠી કરીને રહીશ.