બોમ્બે હાઇકોર્ટની ગોવા બેન્ચે પોતાના એક ચુકાદામાં જણાવ્યું છે કે પ્રેમને કારણે બનેલા જાતિય સંબધોને બળાત્કાર ગણાવી ન શકાય. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યારે એવા પુરાવા હોય કે પુરુષ અને મહિલા વચ્ચે પ્રેમ સંબધો હતાં તો આવી સ્થિતિમાં મહિલા દ્વારા રજૂ કરવામાં આવેલા ખોટા તથ્યોને આધારે તેની વ્યાખ્યા બળાત્કાર તરીકે કરી શકાય નહીં અને પુરુષને પણ આવા કેસોમાં બળાત્કારના આરોપી ગણાવી શકાય નહીં.
કેસની વિગત એવી છે કે વર્ષ ૨૦૧૩ના એક કેસમાં યોગેશ પાલેકર કેસિનોમાં શેફનું કામ કરતો હતો. આ જ કેસિનોમાં કાર્ય કરતી અન્ય મહિલાએ યોગેશ પાલેકર પર લગ્નનું વચન આપી બળાત્કાર ગુજારવાનો આરોપ મૂક્યો હતો. સ્થાનિક કોર્ટ યોગેશને સાત વર્ષની જેલ અને ૧૦ હજાર રૃપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો હતો. જો કે હાઇકોર્ટે આરોપીની સજા અને દંડ બંને રદ કરી દીધા છે.
મહિલાએ આરોપ મૂક્યો હતો કે પોતાના ઘરવાળાઓ સાથે મુલાકાત કરાવવા યોગેશ તેને ઘરે લઇ ગયો હતો. જ્યાં બંને વચ્ચે જાતિય સંબધો બંધાયા હતાં. બીજા દિવસે સવારે યોગેશ કારમાં મહિલાને તેના ઘરે મૂકવા ગયો હતો. મહિલાના જણાવ્યા અનુસાર ત્યારબાદ પણ યોગેશે તેની સાથે ત્રણથી ચાર વખત જાતિય સંબધો બનાવ્યા હતાં. ત્યારબાદ યોગેશે મહિલાને નિમ્ન જાતિની ગણાવી તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેના પગલે મહિલાએ યોગેશ સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરી હતી. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું ક તે સંબધ બાંધવા માટે એટલા માટે તૈયાર થઇ કારણકે તેણે લગ્ન કરવાનું વચન આપ્યું હતું.
કોર્ટમાં સુનાવણી દરમિયાન એ વાત પણ સામે આવી કે મહિલાએ પાલેકરને આર્થિક રીતે પણ મદદ કરી હતી. જસ્ટિસ સી વી ભદાંગે જણાવ્યું હતું કે પુરાવા સ્પષ્ટપણે દર્શાવે છે કે સંમતિ ફક્ત પાલેકરના વચનોને આધારે બંધાયા ન હતાં પણ બંને વચ્ચે પ્રેમ પણ હતો અને બંનેએ સંમતિથી જાતિય સંબધો બાંધ્યા હતાં.