અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા બેરલ માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી. ઓઇલના બેરલના ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ૨૧ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. ૩૦૦થી વધુ લુબ્રિકન્ટ ઓઇલના બેરલમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે, રોડ ઉપરથી આગ દેખાઈ હતી અને આગના ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગવાનું પ્રાથમિક કારણ ફટાકડા હોવાનું જાણવા મળ્યું છે.
જોકે આ મામલે હાલ એફએસએલ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ મોડી રાત્રે ૧૧.૪૫ વાગ્યાની આસપાસ દાણીલીમડા વિસ્તારમાં બેરલ માર્કેટમાં પંજેતની એસ્ટેટમાં ગોડાઉન નંબર ત્રણમાં આગ લાગી હતી. ભીષણ આગ લાગવાના મેસેજના પગલે ફાયર બ્રિગેડની ૨૧ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ૬૫ જેટલા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ચારેય તરફથી પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આસપાસના આવેલા ગોડાઉનમાં આગના પ્રસરે તે રીતે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને બે કલાક સુધી પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી.
ઓઇલના બેરલ હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી. પરંતુ ફાયર બ્રિગેડના અધિકારી સહિત ૬૫ જેટલા ફાયર જવાનો દ્વારા સમય સૂચકતાથી ભીષણ આગને કાબૂમાં લઈ લીધી હતી. આગના કારણે આસપાસના ગોડાઉનમાં પણ આગ પ્રસરી શકે તેમ હતી પરંતુ સમય સૂચકતાથી આગ કાબૂમાં આવી જતાં ૧૫ જેટલા ગોડાઉનને બચાવી લેવામાં આવ્યા હતા. આગ લાગવાનું પ્રાથમિક કારણ ફટાકડા હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.