મા-બાપના ચહેરા પર મુસ્કાન લાવતા ઓપરેશન ‘મુસ્કાન’ અંતર્ગત એક મહિનો ચાલેલી ઝુંબેશ દરમિયાન પોલીસે ૮૫થી વધુ ખોવાયેલા બાળકોને શોધી કાઢ્યા હતા. તે સિવાય પોલીસે ચિલ્ડ્ન હોમમાં રખાયેલા વિવિધ રાજ્યોના સાત બાળકોને પણ તેમના વતન મોકલી આપ્યા હતા. પોલીસ કમિશનરે તમામ ડીસીપી સાથે મિટીંગ કરી માનવીય સંવેદના સાથે કામગીરી હાથ ધરી ગૂમ થયેલા બાળકોને શોધી કાઢવા ૧ માર્ચથી ૩૧ માર્ચ દરમિયાન ઓપરેશન મુસ્કાન હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસ કમિશનર એ.કે.સિંઘે ગૂમ થયેલા બાળકોને જેમ બને તેમ જલ્દી શોધી કાઢવા પર્યાસ હાથ ધર્યા હતા. જેમાં તેમણે શહેરના તમામ ડીસીપીઓની એક મિટીંગ બોલાવી હતી. તે સિવાય તમામ પી.આઈનો વ્યક્તિગત સંપર્ક કરીને બાળકો શોધી કાઢવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડયું હતું. માનવીય સંવેદના ધ્યાનમાં રાખીને બાળક તેના માતાપિતા પાસે જેમ બને તેમ જલ્દી પહોંચી જાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ પોલીસને ચોપડે ૨૪૦ બાળકો ગૂમ થયાની ફરિયાદો નોંધાઈ હતી. જેમાંથી પોલીસે એક મહિનામાં ૮૫થી વધુ બાળકોને શોધી કાઢ્યા હતા. આ કામગીરીમાં મહિલા ક્રાઈમ બ્રાંચ, ક્રાઈમ બ્રાંચ, પીસીબી, તમામ એસીપી, ડીસીપી અને પોલીસ સ્ટેશનના પી.આઈને જોતરવામાં આવ્યા હતા. તે સિવાય નવનિયુક્ત ૩૪ મહિલા એ.એ.આઈ મળીને ૪૦ એ.એસ.આઈને મહિલા પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરીને તેમને દરેક પોલીસ સ્ટેશનમાં મોકલી આપીને ગૂમ થયેલા બાળકોના માતાપિતા, પડોશી વગેરેને રૂબરૂમાં મળીને આ બાળકોને શોધવાની કામગીરી સોંપવામાં આવી હતી.