પ્રિતીને જ્યારે પણ તેના સાસુ ખીજાય ત્યારે તે જવાબ આપ્યા વગર બોલવાનું બંધ કરી દે. તેના આવા વર્તનથી સાસુમા વધારે રોષે ભરાય અને ઝઘડો લાંબો ચાલે…દિવસોનાં દિવસો તે બંને જણા એકબીજા સાથે રીસાયેલા રહે અને વાત પણ ન કરે. આ કેસમાં બંને જણા એકબીજાને પોતાની વાત સાચી હતી અથવા તો પોતાનો મંતવ્ય જણાવવાની જરૂર પણ ન સમજી. આ રીસામણા છેલ્લા ત્રણ વર્ષથી ચાલે છે. આ બંને જણાને આજે યાદ પણ નથી કે પ્રોબલેમ કઈ વાત પર થયો હતો. સમગ્ર પરિવાર આ રીસામણાના નુક્સાન ભોગવી રહ્યાં છે પણ સાસુ વહુમાંથી કોઈ પણ ટસ કે મસ થવા તૈયાર નથી.
સોહન અને રાજલ બે વર્ષથી એકબીજાનાં પ્રેમમાં હતા. એકવાર સોહન રાજલને આપેલા સમયે મળવા ન આવી શક્યો…ત્યારે રાજલને તે વાતનું એટલુ ખોટુ લાગ્યુ કે તેણે તેની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધુ. સોહનને પણ એમ થયું કે કારણ જાણ્યા વગર તે મારાથી કેવી રીતે રીસાઈ શકે. જો તે સામેથી કોલ નહીં કરે તો હું પણ વાત નહીં કરું. સમય જતો ગયો. એક નાની વાતનાં લીધે તેમનાં સંબંધનાં તાર પણ તૂટતાં ગયા. આ રીસામણા દરેક ઘરમાં કોઈને કોઈ સ્વરૂપે જોવા મળે છે. આ બે ઉદાહરણ સિવાય એવા ઘણાં ઉદારણો પણ છે જેમાં શાંતિ અને સુખી જીવન પણ રીસને કારણે વેરવિખેર થઈ ગયા હોય.
તો ચાલો જાણીએ શું હોય છે આ રીસ…
રીસ એક પ્રકારની જીદ છે. જ્યારે વ્યક્તિનું પોતાનું ધાર્યું ન થાય ત્યારે તે સૌથી પહેલા પોતાની વાત મનાવવા માટે બીજાને આજીજી કરે છે. તેનાથી પણ કામ ન બને તો હુકમ કે જબરદસ્તીનો સહારો લે છે. તેમ કરવા છતાં વાત માનવામાં ન આવે તો માણસનું ત્રીજુ સ્ટેપ લાગણીઓને વશમાં કરવાનું હોય છે. જેને ચોખ્ખી ભાષામાં ઈમોશનલી બ્લેકમેઈલ કરવું પણ કહી શકાય. જે વાતમાં આપણી મનમાની ન ચાલે તેમાં રીસાઈને વાત મનાવવામાં આવે છે. તમને ચાહતા લોકો, તમને રીસ્પેક્ટ આપતા લોકો તમારી આ જીદ એટલે કે રીસને માનીને પણ તમને ખુશ જોવા માગે છે. તેથી તમે રીસાઈ જાવ ત્યારે તમારી વાત માની લેવામાં આવે છે. કેમકે સામેની વ્યક્તિ માટે તમારી જીદ કરતા પણ તમે વધારે મહત્વનાં છો.તો હવે જ્યારે પણ રીસાવવાનું મન થાય ત્યારે એક વાર જરૂર વિચાર કરવો કે આપણા માટે શું અગત્યનું છે. કોઈ એક બાબત, જેમાં આપણી જ મનમાની હોય કે પછી તે વ્યક્તિ જેનાથી રીસાઈને તેને હરાવવાનો હોય? વિચાર કરી જો જો…