ભારતમાં ઓમીક્રોનના નવા એકસબીબી સબ-વેરિઅન્ટના અત્યાર સુધીમાં ૭૧ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એકસબીબી સબ-વેરિઅન્ટના ૫ કેસની પુષ્ટિ થઈ છે. આ પહેલા પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તમિલનાડુમાં આ સબ-વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. છેલ્લા ૧૫ દિવસના સમયગાળામાં ઓડિશામાં ૩૩ કેસ નોંધાયા છે, ત્યારબાદ બંગાળમાં ૧૭ અને તમિલનાડુમાં ૧૬ કેસ નોંધાયા છે. એકસબીબી ઓમિક્રોનના બીએ.૨.૭૫ અને બીજે.૧ વેરિઅન્ટના સંયોજનથી બનેલું છે. તે પહેલીવાર ઓગસ્ટમાં સિંગાપોર અને યુએસમાં ડિટેક્ટ થયો હતો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, એકસબીબી સબ-વેરિઅન્ટ રોગપ્રતિકારક શક્તિને માત આપવામાં સક્ષમ છે, જો કે તે હજુ અસ્પષ્ટ છે કે શું આ વાયરસ ગંભીર બીમારીનું કારણ બને છે, જેનાથી સંક્રમિત થનારા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.
રિપોર્ટ મુજબ, સિંગાપોરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં વધારો નોંધાયો છે. જો કે, ત્યાંના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી કે એકસબીબી સબ-વેરિઅન્ટના પરિણામો ગંભીર છે. ભારતમાં જિનોમ સિક્વન્સિંગ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોના મતે દેશના લગભગ ૮૮ ટકા નવા સંક્રમણ બીએ.૨.૭૫ વેરિઅન્ટના કારણે થયા, જ્યારે કુલ નવા કેસના લગભગ ૭ ટકા હિસ્સો જ એકસબીબી સબ-વેરિઅન્ટને કારણે હતો. તો સંક્રમણમાં બીએ.૫ વેરિએન્ટનો હિસ્સો ૫ ટકા કરતા પણ ઓછો રહ્યો.
રિપોર્ટમાં મહારાષ્ટ્રના જીનોમ સિક્વન્સિંગના કોઓર્ડિનેટર ડૉ. રાજેશ કાર્યકર્તેએ લખ્યું છે, એકસબીબી એ ઓમિક્રોનનું હાઇબ્રિડ વર્ઝન છે. અમે મહારાષ્ટ્રમાં તેના પ્રસાર પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. સિંગાપોરમાં એકસબીબી વર્તમાનમાં અન્ય તમામ ઓમિક્રોન સબ-વેરિએન્ટ પર પ્રભુત્વ ધરાવે છે. ઠમ્મ્ની વિશ્વના ઘણા ભાગોમાં પુષ્ટિ થઈ છે, પરંતુ સિંગાપોરમાં તેના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ત્રણ અઠવાડિયાની અંદર આ સબ-વેરિઅન્ટ ત્યાંના તમામ દૈનિક કેસોમાંથી અડધાથી વધુ કેસ માટે જવાબદાર છે.” સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રાલયએ કહ્યું કે, તેણે આ નવો વેરિઅન્ટ વધારે સંક્રામક હોવાનો અને સંક્રમિતોના મૃત્યુને લઈને સોશિયલ મીડિયા પર અફવાહ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે. વોટ્સએપ દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓ સામે ઓનલાઈન લાઈસ એન્ડ ફ્રોડ એક્ટ લાગુ કરવામાં આવી રહી છે. ૧૧ ઓક્ટોબરે સિંગાપોરમાં કોરોના વાયરસ સંક્રમણના ૧૧,૭૩૨ નવા કેસ નોંધાયા હતા. આમાં મોટા પ્રમાણમાં એકસબીબી વેરિઅન્ટ્સથી સંક્રમિત થનારાઓનો સમાવેશ થાય છે. સિંગાપોરના એમઓએચએ કહ્યું કે, છેલ્લા અઠવાડિયામાં સંક્રમણમાં ૨૨ ટકાનો વધારો થયો છે. લગભગ ૫૫ ટકા નવા સંક્રમણ એકસબીબી સ્ટ્રેનના છે.