ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી ઘર આગળ કચરો ફેંકવા બાબતે ૨ મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવતમાં એક મહિલાના પરિવારના ૪ સભ્યોએ ભેગા મળી બીજી મહિલાના ઘરમાં ઘુસીને તેની સાથે મારામારી કરી લાકડીથી હુમલો કર્યો હતો. જ્યારે મહિલાના ૨ દીકરા છોડાવવા વચ્ચે પડતા ચારેય જણાંએ તેમની ઉપર પણ હુમલો કર્યો હતો. આ મારામારીમાં મહિલાનો ફોન તૂટી ગયો હતો તેમજ ધક્કો વાગતા તે નીચે પડી ગઇ હતી. ચાંદલોડિયાની એક સોસાયટીમાં રહેતા મોનાબહેન(૩૫)(નામ બદલેલ છે) ના પતિ વિરમગામમાં ખેતીવાડી કરે છે.
તા.૧૦ ઓકટોબરે તેમની જ સોસાયટીમાં રહેતા લલીબહેન રેલ્વેના પાટા બાજુ કચરો નાખવા જઈ રહ્યા હતા. ત્યારે મોનાબહેનના ઘર આગળ કચરો પડવાથી ગંદુ થયું હતું. જેથી મોનાબહેન તે કચરો ડોલમાં ભરીને લલીબહેનના ઘરની બહાર ફેંકી આવ્યા હતા. ત્યારબાદ મોનાબહેન અને લલીબહેન પોત પોતાના ઘરે જતા રહ્યા હતા. જ્યારે રાતે મોનાબહેન અને ૨ દીકરા ઘરે હાજર હતા. ત્યારે કુલદીપ દેસાઈ તેના પિતા અજમલ દેસાઈ, હિરેન દેસાઈ અને ભોલિયો દેસાઈ મોનાબહેનના ઘરે આવ્યા હતા. તે ચારેય જણાંએ કહ્યું હતું કે, અમારા ઘરની સામે કચરો કેમ ફેંકયો હતો. તેમ કહીને મોનાબહેન સાથે ઝઘડો કરીને ચારેયે તેમની સાથે ઝપાઝપી કરી હતી. જ્યારે આ ઘટનાના પગલે મોનાબહેનના ૨ દીકરા દોડી આવતા આ ચારેયે તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી. જેમાં મોનાબહેનને ધક્કો મારીને પાડી દીધા હતા તેમજ તેમની ગરિમાનો ભંગ થાય તેવું વર્તન કર્યું હતુ. આ ઝપાઝપીમાં મોનાબહેનનો ફોન તૂટી ગયો હતો. તેમજ તેમને પગમાં લાકડી વાગી હતી.
આ ઘટનાના પગલે સોસાયટીના રહીશો ભેગા થઇ જતાં મોનાબહેન અને તેમના બંને દીકરાઓને છોડાવ્યા હતા. આ અંગે મોનાબહેને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.