ભારતે મહિલા એશિયા કપમાં સોમવારે અંતિમ ગ્રુપ મેચમાં થાઈલેન્ડ સામે નવ વિકેટે આસાન જીત નોંધાવીને લીગ તબક્કામાં ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. ભારતીય વિમેન્સ ટીમે છ મેચમાંથી પાંચમાં જીત મેળવી હતી. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં એકમાત્ર મેચ પાકિસ્તાન સામે હારી હતી. ભારતના પોઈન્ટ ટેબલમાં ૧૦ પોઈન્ટ થયા છે અને તેની સાથે ગ્રુપમાં પાકિસ્તાન, શ્રીલંકા તથા થાઈલેન્ડ અને બેંગકોકમાંથી કોઈ એક સેમિફાઈનલ સ્ટેજમાં જોડાશે. બાંગ્લાદેશની ફક્ત એક ગ્રુપ મેચ બાકી છે જે તેના માટે કરો યા મરો સમાન રહેશે. બાંગ્લાદેશનો પાંચ મેચમાં નેટ રનરેટ ૦.૪૨૩ છે જ્યારે થાઈલેન્ડ છ મેચના અંતે -૦.૯૪૯ રન રેટ ધરાવે છે.
ભારતની કાર્યકારી કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. થાઈલેન્ડની અનુભવ વગરની મહિલા ટીમને બોલર્સ માટે ફાયદારૂપ પીચ પર ઝઝૂમવું પડ્યું હતું. થાઈલેન્ડની ટીમ ૧૬મી ઓવર અગાઉ જ ફક્ત ૩૭ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. થાઈલેન્ડની નાનાપટ કોનચારોએનકેઈ ૧૨ રન કરીને એકમાત્ર બે આંકડમાં રન નોંધાવનાર બેટર હતી. ભારતની સ્પિનર ત્રિપૂટીએ થાઈલેન્ડના બેટર્સને તક આપી નહતી. સ્નેહ ત્રણ વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચ બની હતી. દીપ્તિએ ૧૦ રન આપીને બે વિકેટ તથા રાજેશ્વરીએ આઠ રન આપીને બે વિકેટ ઝડપી હતી. મેઘનાએ એક વિકેટ મેળવી હતી. એસ મેઘનાએ અણનમ ૨૦ રન જ્યારે પૂજાએ અણનમ ૧૨ રન કરીને ભારતને નવ વિકેટે જીત અપાવી હતી. કેપ્ટન મંધાનાએ તેની ૧૦૦મી ટી૨૦ આંતરાષ્ટ્રી મેચને ખાસ બનાવવા માટે તમામ ટીમ સભ્યોનો આભાર માન્યો હતો.