મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનાં ફેઝ-૧માં વસ્ત્રાલ-થલતેજ ગામ મેટ્રો ટ્રેન આજથી જાહેર જનતા માટે સંપૂર્ણ રીતે શરૂ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા એપરલ પાર્કમાં મેટ્રો ટ્રેન પર અજાણ્યા શખસો દ્વારા લખાણ લખવામાં આવ્યા હતા. લખાણ લખવાના કારણે મેટ્રોને ૫૦,૦૦૦નું આર્થિક નુકસાન થયું છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચે ૪ ઇટાલીયન નાગરિકોની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા ગુના મામલે તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે ૪ વિદેશી નાગરીક હોવાનું જાણવા મળ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે ૪ ઇટાલીયન નાગરિકોની એલિસબ્રિજ પાસેથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી અલગ-અલગ કલરની ગ્રાફીટી પેઇન્ટિંગ કરવા માટેની ૭ બોટલ સ્પ્રે મળી આવ્યા છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, યુરોપ અને અમેરિકન દેશોમાં આ પ્રકારે ગ્રાફીટી બનાવવાનો ક્રેઝ ઘણો લોકોમાં છે જેથી આરોપી પણ પેઇન્ટિંગના આદી છે અને તક મળતા ચોરી છૂપીથી ગ્રાફીટી બનાવીને આનંદ લે છે.
૧ ઓક્ટોબરની રાતે ચારેય ગોમતીપુર એપરલ પાર્ક ડીપો, મેટ્રો રેલ પાર્કિંગવાળી જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશીને મેટ્રોના કોચ પર ટીએએસ લખાણ કરી સરકારી સંપત્તિને નુકસાન પહોચાડ્યું છે. ચારેયની ધરપકડ કરીને ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. મેટ્રો રેલ પ્રોજેક્ટના ડેપ્યુટી સિક્યુરિટી મેનેજર જગતસિંહ મકવાણાએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે, ૧ ઓક્ટોબરના રાત્રિના સમયે ગોમતીપુર એપરલ પાર્ક ખાતે અજાણ્યા ઈસમો કૂદીને ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. જે બાદ મેટ્રોના બે કોચની બહારના ભાગે ટાટા જેવુ જુદા જુદા કલરોનું લખાણ લખ્યું છે. ઉપરાંત મેટ્રો ટ્રેન વચ્ચેના ઇલેક્ટ્રિક પોલ પર ટીએએસ લખાણ લખ્યું છે. આ લખાણ લખીને ઈસમો ત્યાંથી ફરાર થઇ ગયા છે. પબ્લિક પ્રોપર્ટી પર ગ્રાફીટી બનાવીને મેટ્રોને ૫૦૦૦૦ રૂપિયાનું નુકસાન કર્યું છે. સિક્યુરિટી કેમેરામાં પણ ઈસમો આવતા જતા દેખાઈ રહ્યા છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.