દુનિયામાં ગમે તે વ્યક્તિએ જો બીજા કોઈ દેશમાં જવું હોય તો પાસપોર્ટની જરૂર પડે છે. પાસપોર્ટ વગર કોઈ વ્યક્તિ બીજા દેશની યાત્રા કરી શકતો નથી. રાષ્ટ્રપતિથી લઈને પ્રધાનમંત્રી પણ જ્યારે એક દેશથી બીજા દેશમાં જાય છે તો તેમણે ડિપ્લોમેટિક પાસપોર્ટ રાખવાનો હોય છે. એક પાસપોર્ટ પોતાના ધારકની વ્યક્તિગત ઓળખ અને રાષ્ટ્રીયતાને નક્કી કરે છે. પાસપોર્ટમાં ધારકનું નામ, ફોટોગ્રાફ, જન્મસ્થળ અને જન્મ તારીખ, સહી અને પાસપોર્ટની વેલિડિટી લખેલી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં ત્રણ ખાસ એવા લોકો છે જેને કોઈ બીજા દેશમાં જવા માટે પાસપોર્ટની જરૂર પડતી નથી. પણ ત્રણ વ્યક્તિઓ માંથી પ્રથમ વ્યક્તિની જો વાત કરીએ તો બ્રિટનના કિંગ એટલે કે રાજાની છે જે કિંગ ચાર્લ્સ તૃતીય આ મહિને બ્રિટનના મહારાજ બન્યા છે. તેમના માતા તથા મહારાણી એલિઝાબેથ દ્વિતીયના મૃત્યુ બાદ તેઓ આ પદ પર બેઠા છે. તેમના મહારાજ બનતા યુકેના વિદેશ મંત્રાલયે બધા દેશોને સૂચના આપી દીધી કે બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીયને સંપૂર્ણ સન્માન સાથે ગમે ત્યાં આવવા-જવાની મંજૂરી આપવામાં આવે અને તેમના પ્રોટોકોલનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે.
કિંગ ચાર્લ્સ પહેલા તેમના માતા મહારાણી એલિઝાબેથ દ્વિતીયને પાસપોર્ટ વગર ગમે ત્યાં જવાનો અધિકાર હાસિલ હતો. નોંધનીય છે કે પાસપોર્ટ વગર ગમે ત્યાં જવાનો અધિકાર માત્ર ગાદી પર બેઠેલા રાજા કે મહારાણીને હોય છે. કિંગ ચાર્લ્સ તૃતીયના પત્નીને જો વિદેશ જવું હશે તો તેમણે ડિપ્લોમેટિક પાસપોર્ટની જરૂર પડશે. આ રીતે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના સમયમાં તેમના પતિ પ્રિન્સ ફિલિપને પણ વિદેશ જવા માટે ડિપ્લોમેટિક પાસપોર્ટની જરૂર પડતી હતી. બીજા બે વ્યક્તિઓ જાપાનના સમ્રાટ અને મહારાણી છે આ સમયે જાપાનના સમ્રાટ નારૂહિતો છે અને તેમના પત્ની મસાકો ઓવાદા જાપાનના રાણી છે. સમ્રાટ અને રાણી માટે પાસપોર્ટ વગર વિદેશ જવાની વ્યવસ્થા ૧૯૭૧થી શરૂ થઈ હતી. જાપાન દુનિયાના બધા દેશોને એક સત્તાવાર પત્ર આ વિશે મોકલે છે કે સમ્રાટ અને રાણીને તેમના દેશમાં જવા માટે આ પત્રને તેમનો પાસપોર્ટ માની લેવામાં આવે.