પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક ચુકાદામાં કહ્યું હતું કે પત્ની દ્વારા લગ્નેત્તર સંબંધ બનાવવા જેવી કોઈ એકાદ ભૂલ થઇ જાય તો પણ તેણી ભરણપોષણનો દાવો કરી શકે છે. આ કોમેન્ટમાં હાઇકોર્ટે એક ફેમિલી કોર્ટના આદેશને રદ્દ કરવાની માંગ કરતી એક અરજીને ફગાવી દીધી હતી. એક અહેવાલ અનુસાર ઓક્ટોબર ૨૦૨૧માં રેવાડી ફેમિલી કોર્ટે વધારાનાં પુરાવા માટે એક હસ્તાક્ષર નિષ્ણાંતની મદદથી પોતાની પત્નીનું લખાણ સાબિત કરવા માટે કરેલી એક અરજકર્તાની અરજીનો અસ્વીકાર કર્યો હતો. અરજકર્તાએ જણાવ્યા અનુસાર તેની પત્નીએ ૨૦૦૫માં લેખિત સ્વરૂપમાં તેણીનાં લગ્નેત્તર સંબંધનો સ્વીકાર કર્યો હતો.
પત્નીએ પોતાનાં અને પોતાનાં ત્રણ સગીર સંતાનો વતી સીઆરપીસીની કલમ ૧૨૫ અનુસાર આ મામલો નોંધાવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૦૪માં અરજકર્તા સાથે તેના લગ્ન થયા હતા. પરંતુ અરજકર્તાએ તેણીની ઉપેક્ષા કરી હતી. અને તેઓના ત્રણ સંતાનોનું પાલન કરવાની જવાબદારી નિભાવવાની ના પડી દીધી હતી. અરજકર્તાએ પત્નીનાં આ આરોપનો એવો વિરોધ કર્યો હતો કે તેણીનાં લગ્નેત્તર સંબંધો હતા જે ૨૦૦૫માં મે મહિનામાં તે લેખિતમાં સ્વીકારી ચુકી છે. તેણે બાળકોનાં જૈવિક પિતા હોવા બાબતે પણ શંકા દર્શાવી હતી. અરજકર્તા તરફથી આ મામલે હાજર કરવામાં આવેલ સાક્ષીઓની પુછપરછ બાદ તેમણે ૨૦૦૫માં પત્ની દ્વારા લખાયેલ આ લખાણની ખરાઈ કરવા માટે અરજી કરી હતી. પત્નીનાં પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે તેઓ આ લગ્નેત્તર સંબંધની કબૂલાત બાદ પણ પતિ સાથે જ રહેતા હતા. અને તેઓને ૨૦૦૩, ૨૦૦૬ અને ૨૦૧૭માં સંતાનો થયા હતા. લગ્નેત્તર સંબંધના ગંભીર આક્ષેપો પછી પણ તેઓ સાથે રહેતા હતા જે સૂચવે છે કે અરજકર્તાએ તેણીને માફ કરી દીધું હતું. જસ્ટિસ વિવેક પુરીની ખંડપીઠ દ્વારા બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કહેવામાં આવ્યું હતું કે અરજકર્તા આ તમામથી સારી રીતે વાકેફ હતો. ભરણપોષણના દાવાને સેટલ કરવા માટે આ તથ્યો સાબિત કરવા જરૂરી હતા.
જજે કહ્યું હતું કે અહીં એવો ઉલ્લેખ કરવો અયોગ્ય નહીં કહેવાય કે પત્નીના ભરણપોષણના દાવાને ખોટો સાબિત કરવા માટે તે પોતાનાં સંતાનોના પિતા હોવા મુદ્દે શંકા કરવા સુધીની હદે પહોંચી ગયો હતો અને પોતાના પિતૃત્વને લઈને પણ વિવાદ ઉભો કર્યો હતો. આ સંતાનો તો અરજકર્તા અને પ્રતિવાદી સાથે રહેતા હતા ત્યારે જ થયા હતા. જસ્ટિસ પુરીએ કહ્યું હતું કે સીઆરપીસીની કલમ ૧૨૫ એક સામાજિક ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે છે. જેમાં એક સામાજિક કાયદો છે જે ભરણપોષણ માટે પત્નીને પોતાનું અને તેના સંતાનોનું ભરણપોષણ કરવા માટે રાહત આપે છે.
કોર્ટે કહ્યું હતું કે જો તેણી લગ્નેત્તર સંબંધમાં જ રહી છે અને પોતાનાં પતિથી અલગ બીજા વ્યક્તિ સાથે સતત રહેતી હોત તો એવા સંજોગોમાં ભરણપોષણ આપવાનો નનૈયો ભણી શકાય. ક્યારેક ક્યારેક એકાદ ભૂલ માટે તેણીને ભરણપોષણ માંગવાથી વંચિત રાખી શકાય નહીં. લગ્નેત્તર સંબંધની વાત ભૂતકાળની નહીં અરજી કરતા સમયની હોવી જોઈએ. આ ઘટનામાં તો ૨૦૦૫માં બનેલી ઘટના બાદ પણ તેઓને ૨૦૦૬ અને ૨૦૧૭માં સંતાનો થયા હતા.તેઓ આ લગ્નેત્તર સંબંધની કબૂલાત બાદ પણ સાથે જ રહેતા હતા. જે સૂચવે છે કે અરજકર્તાએ તેણીને માફ કરી દીધું હતું. માટે આ કિસ્સામાં પત્નીને ભરણપોષણથી વંચિત રાખી શકાય નહીં.