ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણીની યજમાની કરવાની ઔપચારિક રજૂઆત કરી હતી પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ આ ઓફરમાં કોઈ રસ દર્શાવ્યો નહતો. બીસીસીઆઈએ સ્પષ્ટ જણાવ્યું કે, નજીકના ભવિષ્યમાં આવી કોઈ જ સંભાવના નથી. બ્રિટિશ દૈનિક ટેલિગ્રાફના એક રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષ માર્ટિન ડાર્લોએ વર્તમાન ટી૨૦ શ્રેણી દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) સાથે વાતચીત કરી હતી તેમજ ભવિષ્યમાં ત્રણ મેચની શ્રેણી ઈંગ્લેન્ડમાં યોજવા માટે રજૂઆત કરી હતી. ઈસીબીએ પોતાના ફાયદા માટે આમ કર્યું હતું ત્યારે બીસીસીઆઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, આગામી વર્ષોમાં આવી કોઈ જ સંભાવના નથી.
બીસીસીઆઈના એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરત કહ્યું કે, સૌપ્રથ વાત એ છે કે ઈસીબીએ ભારત-પાક. શ્રેણી માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે વાત કરી છે જે જરા અજુગતું લાગે છે. પાકિસ્તાન સામે કોઈપણ શ્રેણી રમવાનો ર્નિણય બીસીસીઆઈ નહીં પરંતુ કેન્દ્ર સરકાર કરશે. હાલમાં યથાસ્થિતિ છે. અમે પાકિસ્તાન સામે ફક્ત બહુરાષ્ટ્રીય સ્પર્ધામાં રમીશું. ભારત પાકિસ્તાન સામે છેલ્લે ૨૦૧૨માં ઘર આંગણે દ્વિપક્ષીય શ્રેણી રમ્યું હતું. આ મર્યાદિત ઓવરની શ્રેણી હતી અને બન્ને દેશો વચ્ચે છેલ્લે ૨૦૦૭માં ટેસ્ટ મેચ યોજાઈ હતી. બન્ને દેશો વચ્ચે વણસેલા રાજકીય સંબંધોને જોતા બીસીસીઆઈએ દ્વિપક્ષીય શ્રેણી રમવાનો ઈન્કાર કરી દીધો છે. પછી આ શ્રેણી ઘરઆંગણે હોય કે વિદેશમાં અથવા કોઈ તટસ્થ સ્થળે ભારતે પાકિસ્તાન સામે દ્વિપક્ષીય શ્રેણી નહીં રમવાની જાહેરાત કરી છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, બ્રિટનમાં ભારત-પાક. વ્યાપક સમર્થકો હોવાથી તેમને મેચ જોવાનો લ્હાવો મળશે. આ ઉપરાંત મેચમાં પ્રાયોજકો તરફથી મોટી રકમ પણ પ્રાપ્ત થશે તથા ટીવી ઉપર પર દર્શકો નિહાળી શકશે. રિપોર્ટ મુજબ પીસીબીએ પણ તટસ્થ સ્થળે ભારત સામે રમવા રસ નહીં હોવાનું જણાવ્યું હતું અને ઈસીબીનો આભાર વ્યક્ત કર્યો હતો જેને બન્ને બોર્ડ વચ્ચેની વધી રહેલી નિકટતાનો ખ્યાલ પણ આવે છે.