નવરાત્રિના એકથી બે મહિના પહેલાં જ ખેલૈયાઓનું ગ્રુપ તૈયારીઓ કરે છે અને ત્યાર બાદ નવરાત્રિના નવ દિવસ અવનવાં સ્ટેપ સાથે ગરબા રમતા હોય છે. અમદાવાદીઓ બે વર્ષ બાદ નવલી નવરાત્રિમાં ગરબા રમવાની મજા માણી રહ્યા છે. શહેરમાં અનેક સ્થળે ગરબાનાં આયોજન થયાં છે, જેમાં બીજા નોરતે સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ગરબામાં કીચડની વચ્ચે ભીડ હોવા છતાં એક ગ્રુપ સૌની આંખે ઊડીને વળગતું હતું. નવ વર્ષના બાળકથી લઈ અને ૫૦ વર્ષની મહિલા સાથે ૩૫ લોકોનું ગ્રુપ ટ્રેડિશનલ ડ્રેસમાં અવનવા સ્ટેપ સાથે ગરબા રમી અને રમઝટ બોલાવી હતી.
બીજા નોરતાના દિવસે સાંજે શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભ સદન પાસે કર્ણાવતી ગરબામાં કાદવ કિચડ થઈ ગયો હતો છતાં પણ ગરબે ઘૂમવા માટે તૈયાર ગુજરાતીઓ પાછા પડ્યા ન હતા અને ગરબા રમવા માટે પહોંચ્યા હતા નારણપુરા વિસ્તારના રાસ રમઝટ નામના ગ્રુપના ૩૫ જેટલા ખેલૈયાઓ કાદવ હોવા છતાં ગરબા રમવા આવ્યા હતા. આ ગરબામાં ૯ વર્ષના બાળકથી લઈ અને ૫૦ વર્ષ સુધીના લોકો ગરબે ઘૂમ્યા હતા. નાનાં બાળકો, યુવકો, યુવતીઓ અને મહિલાઓ પણ આ ગ્રુપમાં ગરબે ઘૂમ્યા હતા. નારણપુરા વિસ્તારના હાર્દિક શાહ છેલ્લા ૧૦ વર્ષથી રાસ રમઝટ નામનું ગરબા ગ્રુપ ચલાવે છે.