કૌન બનેગા કરોડપતિ ૧૪ની પહેલી કરોડપતિ વિજેતા કવિતા ચાવલાએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું, ‘અહીં સુધી હું પહોંચી શકી તેનો મને ખૂબ આનંદ છે. મને ગર્વ છે કે હું આ સીઝનની પ્રથમ કરોડપતિ બની છું. હું અત્યારે શું ફીલ કરું છું, તેને હું શબ્દોમાં વર્ણવી નહીં શકું. હું ખૂબ જ સંઘર્ષ કરીને અહીં પહોંચી છું. આ શો દરમિયાન મેં કહ્યું હતું કે, હું કાચબાની ગતિએ અહીં પહોંચી છું. આ સફર કાપવામાં અનેક મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કર્યો છે. હવે જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે, તે ખૂબ જ નાનું લાગી રહ્યું છે.’
જણાવી દઈએ કે કવિતા ચાવલા મહારાષ્ટ્રના કોલ્હાપુરની રહેવાસી છે અને હાઉસ વાઈફ છે. કવિતાએ આ જર્ની વિશે શેર કરતા જણાવ્યું છે કે, મારા પિયરની પરિસ્થિતિ સારી નહોતી. અમે ચાર ભાઈ બહેન હતા. મમ્મી સિલાઈ કામ કરતી હતી. તે પૈસાથી જ અમને ચાર ભાઈ-બહેનને મોટા કર્યા છે. મમ્મીને મદદ કરવા માટે મેં પણ સિલાઈ કામ શરૂ કર્યું હતું. ૧૨મા ધોરણ બાદ મેં મમ્મીની સાથે કામ કરવાનું શરૂ કર્યું. હું આઠ કલાક સિલાઈ કામ કરતી હતી અને મને માત્ર રૂ. ૨૦ મળતા હતા. રૂ. ૨૦થી લઈને ૩,૨૦,૦૦૦ની સફર કાપવામાં મને ૩૦ વર્ષ લાગ્યા છે. તે મારી પહેલી કમાણી હતી, જે મને KBC પ્લેટફોર્મ પર મળી હતી. આ સીઝનમાં મેં એક કરોડ જીત્યા છે. હું વર્ષ ૨૦૦૦થી જ આ શોમાં જોડાવા માટે તૈયારી કરી રહી હતી. મેં પહેલી વાર આ શો જોયો ત્યારે જ ર્નિણય કરી લીધો હતો કે, મારે આ શોમાં જવું છે. તે સમયે મને જે કંઈ પણ મળતું તે હું વાંચતી હતી. ન્યૂઝપેપરના કટિંગ રાખવા, બાળકોને ભણાવતા સમયે ભણવું. હું ૧૨મા ધોરણ સુધી ભણી છું, પરંતુ હું કોઈપણ ડિગ્રી વગર ૨૨ વર્ષ સુધી ભણી છું. મેં અનેક બલિદાન આપ્યા છે. હું સૂતી નહોતી, લોકોને મળવાનું બંધ કરી દીધું હતું. મારી દુનિયા માત્ર ઘર અને KBC સુધી જ સીમિત હતી. લોકોને બહાના બતાવીને ભણતી હતી.
પરિવારના રિએક્શન અંગે કવિતા જણાવે છે કે, મેં માત્ર મારા પતિને કોલ કરીને મારી જીતની જાણકારી આપી હતી. હું મારા સાસુ સસરાને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. હું ઈચ્છતી હતી કે, મારા પરિવારના લોકો શો જોઈને ચકિત થઈ જાય, ત્યારબાદ લોકોને ખબર પડી ગઈ હતી અને મેં મારી જીતની વાત કરી હતી. તેઓ ખૂબ જ ખુશ છે. તેમણે મને મહેનત કરતા જોઈ છે અને મને કહે છે કે, તને તારી મહેનતનું ફળ મળી ગયું. કવિતા જીતની રકમ અંગે જણાવે છે કે, મારો પુત્ર ૨૨ વર્ષ વર્ષનો છે. તેના ભણતર માટે ખૂબ જ લોન લીધી હતી. સૌથી પહેલા આ લોનને ક્લિઅર કરશે. ત્યારબાદ તેના યૂ.કે.ના ભણતર પર જે ખર્ચ થશે, તેમાં વાપરશે. નાના શહેરોમાં રહેતી અનેક મારા જેવી હાઉસ વાઈફ મહિલાઓ પોતાના બાળકોના ઉછેર અને પરિવાર વચ્ચે મૂંઝવણમાં મુકાઈ જાય છે. અમારી પાસે મોટા શહેરોની જેમ બહાર જઈને કામ કરવાનું કલ્ચર નથી. અમારી જનરેશનની હાઉસ વાઈફ આ સપનું ક્યારેય પણ પૂરું ન કરી શકે. આ કારણોસર મેં કામ કરવાનું ક્યારેય વિચાર્યું જ નથી. હું વિચારતી હતી કે, KBCમાં જઈને પરિવાર માટે કંઈક કરું. હું પહેલીવાર ટોપ ૧૦ ફાસ્ટેસ્ટ ફિંગરમાં પહોંચી. બિગ બીની આટલી નજીક હોવા છતાં હોટ સીટ પર બેસી શકી નહોતી. હું ખૂબ રડી રહી હતી. ત્યારે અમિતાભ બચ્ચને આવીને કહ્યું કે, નિરાશ ન થશો. તેમની વાતોથી મને હિંમત મળી હતી. ત્યારબાદ હું ફરી એકવાર તૈયારી કરવા લાગી હતી. જ્યારે હું બીજી વાર તેમને મળી તો મને તેમનાથી બિલકુલ પણ ડર નહોતો લાગ્યો. આટલી મોટી વ્યક્તિ હોવા છતાં પણ આપણને સહજ ફીલ કરાવે છે.