દુનિયામાં ક્યાંકને ક્યાંક યુદ્ધ કે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે, અત્યારે પણ યુક્રેન-રશિયા, આર્મેનિયા-અઝરબૈજાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોય કે તાઈવાન અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ આ બંને વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સૌથી ખરાબ અસર દેશની મહિલાઓ અને બાળકો પર થાય છે. ગુજરાતમાં જન્મેલા અને અમેરિકામાં ઉછરેલા જય પટેલે હોલીવુડના અન્ય કલાકારો સાથે મળીને શોર્ટ ફિલ્મ ‘I’m Gonna Tell God Everything’ દ્વારા પ્રેક્ષકોને અહિંસાનો દબદબો જણાવવાનો પ્રયાસ કર્યો છે.
જય પટેલે ફિલ્મ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, “જ્યારે જાણીતી લેખિકા કેથરિન કિંગ અમેરિકામાં તેમના ઘરે આવી ત્યારે તેણે તેમને સીરિયામાં ચાલી રહેલા યુદ્ધની એક સત્ય ઘટના વિશે જણાવ્યું જે સાંભળીને હું ચોંકી ગયો હતો, તે જ સમયે મેં આ સ્ટોરી પર આધારિત ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. જે વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે ફિલ્મ જેવું બીજું કોઈ માધ્યમ નથી. ફિલ્મની સ્ટોરી કેથરિન કિંગ દ્વારા લખવામાં આવી હતી અને ફિલ્મ માટે હોલિવૂડના આર્ટિસ્ટોનું સિલેકશન કરવામાં આવ્યું હતું. ઓગણીસ મિનિટની ફિલ્મનું બેકગ્રાઉન્ડ એલેપ્પો સીરિયામાં ચાલી રહેલા યુદ્ધ અને સ્ટોરીનું મુખ્ય મથક યુસુફ નામનો બાળક છે.”
અનેક એવોર્ડ વિજેતા ફિલ્મ I’m Gonna Tell God Everything કો-પ્રોડ્યૂસડ અભિષેક દુધૈયાએ જણાવ્યું હતું કે, “મહિલાઓ અને બાળકો યુદ્ધથી સૌથી વધુ પ્રભાવિત થાય છે, જો કે તેમને યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી, ફિલ્મ રિયલ સ્ટોરી પર આધારિત છે, હું એક બાળકના છેલ્લા શબ્દોથી પ્રભાવિત થયો હતો અને તેથી અમે નક્કી કર્યું કે શોર્ટ ફિલ્મ દ્વારા તેને દર્શાવીશું. અહિંસાના પૂજારી અને શાંતિદૂત ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે આ ફિલ્મ યુટ્યુબ પર 2જી ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. અભિષેક દુધૈયા જેમણે અજય દેવગન સાથે ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું હતું.”
સીરિયામાં રહેતો યુસુફ જ્યારે કીડીઓને મારી રહ્યો છે ત્યારે તેની માતા તેને કહે છે, તારે કીડીઓને નુકસાન ન કરવું જોઈએ, જો કીડીઓ ઉપર જશે તો તે તારા વિશે ભગવાનને ફરિયાદ કરશે. આ વિચાર યુસુફના મનમાં રહ્યો. ‘I’m Gonna Tell God Everything’ ના કાવતરા અંગે લેખિકા કેથરીન કિંગ કહે છે કે લોકો પોતાના અંગત લાભ માટે આતંકવાદની સાથે હિંસાનો પણ પ્રચાર કરે છે અને બાળકો કારણ વગર તેનો ભોગ બને છે યુસુફ આતંકવાદનો ભોગ બનેલા બાળકનું પ્રતીક છે.
યુસુફે તેના પિતાને આતંકવાદીઓ દ્વારા ધમકાવતા, માર મારતા અને ઘાયલ થતા જોયા હતા. આ હોવા છતાં, તેના પિતા સીરિયાની રિયાલિટીને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે ઝુંબેશ ચાલુ રાખે છે. જો કે, એક કમનસીબ સાંજે જ્યારે યુસુફ તેના રૂમમાં સૂતો હતો, ત્યારે આતંકવાદીઓએ તેના પિતા અને માતાની હત્યા કરી નાખી. યુસુફ આતંકવાદીઓની ગોળીઓમાંથી બચી જાય છે પણ વાત ત્યાં પૂરી થતી નથી. આતંકવાદીઓએ ઘરને આગ લગાડી હતી જેમાં યુસુફ ગંભીર રીતે દાઝી ગયો હતો. જોકે, તેની સાત વર્ષની બહેન સામિયા બચી ગઈ છે. યુસુફને અમેરિકન ચેરિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. જ્યાં યુસુફે ખુલાસો કર્યો હતો કે તેના માતા-પિતાને કોણે માર્યા હતા. તે સાથે તે કહે છે, હું ભગવાનને બધું કહીશ… અને યુસુફે અંતિમ શ્વાસ લીધા. ફિલ્મ અહીં પૂરી થાય છે પરંતુ દરેકને એવું વિચારીને છોડી દે છે કે યુદ્ધ-આતંકવાદ હવે ખતમ થવો જોઈએ. ફિલ્મમાં યુસુફની ભૂમિકા અમેરિકામાં રહેતા ભારતીય વિવાન બિસોઈ દ્વારા ભજવવામાં આવી છે (CBS TV show, life in pieces).
વિવાનનું ઈમોશનલ પર્ફોર્મન્સ પ્રેક્ષકોના દિલને જીતી લેશે, યુસુફના પિતા અનીસની ભૂમિકા બહુભાષી અભિનેતા એસામ ફારીસે ભજવી છે. જ્યારે યુસુફની સાત વર્ષની રિયલ બહેન સામિયાએ ફિલ્મમાં નૂરનો રોલ કર્યો છે. આતંકવાદી નેતાની ભૂમિકા આર્મેનિયન-અમેરિકન અભિનેતા રોમન મિચિયન દ્વારા ભજવવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મના લેખક કેથરીન કિંગે ફ્રેન્ડલી ડોક્ટર એલિસાનો રોલ કર્યો છે જ્યારે ડો.મિતુલ ત્રિવેદીનો રોલ નિર્માતા જય પટેલે કર્યો છે.
નોર્વે ફિલ્મ ફેસ્ટિવલમાં ‘I’m Gonna Tell God Everything’ ને બેસ્ટ શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો. તો ગોવામાં આયોજિત 50માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું.