બીસીસીઆઈની વાર્ષિક સાધારણ સભા (એજીએમ) ૧૮ ઓક્ટોબરના રોજ યોજાશે. બોર્ડના સેક્રેટરી જય શાહે પાઠવેલા નોટિફિકેશન મુજબ એજીએમ મુંબઈ ખાતે યોજવામાં આવશે. આ વખતની એજીએમ અનેક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એજીએમના સૌથી ટોચના મહત્વના એજન્ડામાં આગામી વર્ષે મહિલા આઈપીએલના આયોજનને રાખવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
બોર્ડ દ્વારા વિવિધ રાજ્યોના સભ્યોને પરિપત્ર મોકલવામાં આવ્યો છે તે મુજબ બીસીસીઆઈના હોદ્દેદારો, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ટ્રેઝરર જેવા પદની ચૂંટણી યોજવા અંગે પણ મીટિંગમાં ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત સૌથી અગત્યની બાબત એવી આઈસીસીમાં ભારતના પ્રતિનિધિત્વ માટે પસંદગીને લઈને પણ બોર્ડની એજીએમમાં વિચારણા થશે. એક ચર્ચા મુજબ આઈસીસીમાં ભારતના પ્રતિનિધિત્વ માટેના પ્રબળ દાવેદારો માનવામાં આવે છે. ૭૭ વર્ષના પૂર્વ બોર્ડ પ્રમુખ એન શ્રીનિવાસન તથા ૫૦ વર્ષીય વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલી. બીસીસીઆઈની એજીએમના એજન્ડામાં કુલ ૨૯ મુદ્દાનો સમાવેશ કરાયો ઠે. ઈન્ડિયન ક્રિકેટ એસોસિએશનની એપેક્સ કાઉન્સિલમાં બે પ્રતિનિધિ (એક પુરૂષ તથા એક મહિલા)ની ચૂંટણી યોજાશે.