ઉત્તર પ્રદેશના સહારનપુરથી એક અત્યંત શરમજનક વીડિયો સામે આવ્યો છે. જેમાં ખેલાડીઓ માટે બનેલું ભોજન એક ટોઈલેટમાં રાખી દેવામાં આવ્યું હતું. વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પોર્ટ્સ સ્ટેડિયમના શૌચાલયમાં રાંધેલા ભાત એક મોટી પ્લેટમાં મૂકેલા જોવા મળે છે. આ મામલો રાજધાની લખનઉ સુધી પહોંચી ગયો છે અને તેની તપાસ માટે ટીમ બનાવામાં આવી છે.
સહારનપુરમાં ત્રણ દિવસની રાજ્યસ્તરીય અંડર-૧૭ ગર્લ્સ કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલાડીઓ માટે ભોજન તૈયાર કરવામાં આવ્યું અને સ્વિમિંગ પૂલ પરિસરના શૌચાલયમાં રાખી દેવાયું. આ ભોજન ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા લગભગ ૨૦૦ ખેલાડીઓને પીરસવામાં આવ્યું. એટલું જ નહીં ખેલાડીઓને જે ભાત પીરસવામાં આવ્યા તે અધકચરા એટલે કે અડધા કાચા હતા. આ સાથે જ ખેલાડીઓને અપાયેલા ભોજનની ક્વોલિટી પણ સારી નહતી. સમગ્ર ભોજન સ્વીમિંગ પૂલ પાસ તૈયાર કરાયું હતું અને દાળ, શાક તથા ભાત કાચા હતા. આ સમગ્ર મામલાનો કોઈએ વીડિયો બનાવ્યો અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.