અમેરિકા અને યુરોપના દેશો દ્વારા રશિયા સાથે ઓરમાયા વર્તન પછી આજે રશિયાના પ્રમુખ પુતિને શક્તિ પ્રદર્શનના હેતુથી આજે ‘આરએસ-૨૮ સારમત’ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતુ.
આ મિસાઈલ એક સાથે ૧૦થી માંડીને ૨૪ સુધીના પરમાણુ બોમ્બ લઈ જવા સક્ષમ છે. આ મિસાઈલ આંતરખંડિય છે, એટલે રશિયાથી રવાના થઈ બીજા ગમે તે ખંડ સુધી પહોંચી શકે એમ છે. રશિયાના ઉત્તરી પ્રાંતમાં આવેલા પ્લિસ્ટેક સ્પેસપોર્ટ ખાતેથી આજે મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતું.
પરીક્ષણ અન્ડરગ્રાઉન્ડ હતું, એટલે કે મિસાઈલ જમીનમાંથી બહાર નીકળતી હોય એવો ૨૩ સેકન્ડનો વીડિયો રશિયન સરકારે જાહેર કર્યો હતો. આ પહેલા પણ રશિયાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રથમવાર આ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતુ. ‘સારમત’ની ગણતરી અત્યારે જગતના સૌથી ઘાતક મિસાઈલ્સમાં થાય છે. રશિયન સમાચાર સંસ્થા સ્પુતનિકે સરખામણી કરતા લખ્યુ હતુ કે એક વખતના સારમતના પ્રહારથી આખા ફ્રાન્સ જેટલો વિસ્તાર નષ્ટ થઈ શકે છે. એક સાથે ૨૪ પરમાણુ શસ્ત્રોની ક્ષમતા આ હાયપરસોનિક મિસાઈલની ઝડપ કલાકના ૨૫ હજાર કિલોમીટર જેટલી છે. એટલે એમ કહી શકાય કે મિસાઈલ પ્રહાર કરવા રવાના થાય તો તેને કોઈ રીતે રોકવાનું કામ અશક્ય છે.
આ મિસાઈલમાં ૧૦ ટન સુધીના શસ્ત્રો લઈ જઈ શકાય છે. એટલે કે ૧-૧ ટન વજનના દસ બોમ્બ અથવા મધ્યમકદના ૧૫ બોમ્બ કે પછી એવનગાર્ડ નામના ૨૪ હાયપરસોનિક બોમ્બ એક સાથે મિસાઈલમાં ગોઠવી શકાય છે. હજુ આ બીજું જ પરીક્ષણ હોવાથી જગતના યુદ્ધ નિષ્ણાતો મિસાઈલ અંગે ખાસ જાણતા નથી. પરંતુ રશિયાએ માહિતી આપી હતી કે અપેક્ષા પ્રમાણે પરીક્ષણ સફળ રહ્યું હતુ. મિસાઈલ ડિફેન્સ સિસ્ટમમાં પકડાતું નથી આ મિસાઈલની બીજી વિશિષ્ટતા એ છે કે તે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને બાયપાસ કરી શકે છે. એટલે કે અમેરિકા સહિતના દેશોએ ઠેર ઠેર મિસાઈલ માટે પોતાના રેડાર અને ડિફેન્સ સિસ્ટમ ગોઠવી રાખી જ છે. પરંતુ રશિયાનું આ મિસાઈલ એ બધાને બાયપાસ કરી આગળ વધતું હોય એવુ કમ્યુટરન જનરેટેડ ગ્રાફિક પણ રશિયાએ રજૂ કર્યું હતુ.