જમ્મુ-કાશ્મીરમાં સરહદની પેલે પારથી આતંકીઓની ઘુસણખોરી સતત ચાલતી હોય છે. ત્યારે આ વિસ્તારમાં સક્રિય આતંકીઓ પાસે પણ ચીન અને પાકિસ્તાનના આધુનિક હથિયારોનો સપ્લાય ચાલતો હોય છે. તેવામાં આ આતંકીઓ સાથે સતત ઘર્ષણમાં રહેતી જમ્મુ-કાશ્મીર પોલીસને પણ હવે અત્યાધુનિક હથિયારો મળશે. આ માટે ૨૪૮ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
માનવામાં આવી રહ્યુ છે કે, આ હથિયારોની મદદથી પોલીસ જવાનોને આતંકીઓ સામે હુમલામાં ખૂબ જ મદદરૂપ થશે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર પોલીસે થોડા સમય પહેલાં જ હથિયારો મામલે ગૃહ મંત્રાલયમાં પ્રસ્તાવ મોકલ્યો હતો. ત્યારે હવે ૧૯ સપ્ટેમ્બરે ગૃહ મંત્રાલયની એક બેઠક યોજાશે, તેમાં જમ્મુ કાશ્મીર પોલીસના મહાનિદેશક દિલબાગ સિંહ તેમજ ગૃહ મંત્રાલય વિભાગના અધિકારીઓ સામેલ થશે. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીર પોલીસને અંદાજે ૨૪૮ કરોડ રૂપિયાના નવા હથિયાર ખરીદવા માટે મંજૂરી મળે તેવી શક્યતા છે.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે જમ્મુ-કાશ્મીર પોલીસની કેટલીક વિંગ વચ્ચે સતત અથડામણ ચાલુ જ હોય છે. પરંતુ તેમાં આધુનિક હથિયારો સહિત અન્ય ઉપકરણોની ઉણપ સર્જાય છે, તેને હવે પરિપૂર્ણ કરવાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કાશ્મીર ખીણમાં છેલ્લા એક વર્ષમાં કેટલાંય આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેમાં આતંકીઓનો ટોપ કમાન્ડર પણ સામેલ છે. ત્યાં જ એલઓસી પર ઘુસણખોરીની કોશિશ દરમિયાન પણ કેટલાક આતંકવાદીઓ ઠાર મરાય છે. ત્યારે તેમની પાસેથી મળતા હથિયારો જોઈને એવું લાગે છે કે ચીન અને પાકિસ્તાન તેમને હથિયારો પૂરા પાડે છે.
ત્યારે હવે પોલીસને પણ તેમની સામેની અથડામણમાં અત્યાધુનિક હથિયારોની જરૂરિયાત પડી છે. એવામાં વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં મોકલેલા પ્રસ્તાવને મંજૂરી મળવાની છે અને નવા અત્યાધુનિક હથિયારો સાથે હવે પોલીસ આતંકી સામે લડવા માટે તૈયાર છે. કાશ્મીર સહિત જમ્મુ પ્રાંતના સરહદી વિસ્તારમાં ઘુસણખોરી રોકવા માટે હથિયારોની સાથે ડ્રોન, એન્ટી ડ્રોન ગન, ઇનફિલટેરશન ગ્રીડની સાથે સામાન અને બુલેટ પ્રુફ વાહનની જરૂર છે.