હવે શહેરની કેટલીક હોટલ કે રેસ્ટોરન્ટ કે પછી લારીઓ પર નોનવેજ ખાતા પેહલા લોકોએ સાવધ રહેવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેમ કે લાલગેટ હોડી બંગલાની દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી પોલીસે ૬૦ કિલો ગૌ-માંસ પકડી પાડયું છે. પોલીસને આશંકા છે કે, રેસ્ટોરન્ટમાં નોનવેજની જે આઈટમો બનાવવામાં આવતી તેમાં ગૌ-માંસ મિક્સ કરી લોકોને પિરસવામાં આવી હતી. આ રેસ્ટોરન્ટ છેલ્લા ૪ વર્ષથી ચાલતી હતી. એટલે ઘણા લોકોને નોનવેજની આઈટમોમાં ગૌ-માંસ ખવડાવી દીધું હોઈ શકે છે.
૧૧મી તારીખે લાલગેટ પોલીસે બાતમીને આધારે રેસ્ટોરન્ટમાં ફ્રીઝમાંથી અલગ અલગ પ્લાસ્ટીકની થેલીમાં ૬૦ કિલો ગૌ-માંસ પકડી પાડયું હતું.બાદમાં એફએસએલમાં સેમ્પલો તપાસ માટે મોકલ્યા હતા. એફએસએલના રિપોર્ટમાં ગૌ-માંસ હોવાનું સામે આવતા પોલીસ દોડતી થઈ હતી. આથી લાલગેટ પોલીસે જાતે ૧૪મી તારીખે ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે લાલગેટની દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટોરન્ટના માલિક સરફરાજ મોહંમદ વજીર ખાન(૨૫)(રહે,ગુલશન રીફાઇન એપાર્ટ,હોડી બંગલા,મૂળ રહે,યુપી) અને ખાટકી અંસારની સામે ગુનો નોંધ્યો છે.
હાલમાં પોલીસે રેસ્ટોરન્ટના માલિક સરફરાજ ખાનની ધરપકડ કરી છે. આ ગૌ-માંસ હશે તેની મને ખબર ન હતી, મને તો અંસાર નામનો ખાટકી આપી ગયો હતો. જયારે રેસ્ટોરન્ટ છેલ્લા ૪ વર્ષથી ચલાવતો તે વખતથી ખાટકી અંસાર ચીકન અને મટન આપી જતો હતો. તેવું પોલસી સામે જુઠાણું ચલાવતો હતો. કારણ કે, ખાટકી ૪ વર્ષથી તેની રેસ્ટોરન્ટ પર ચીકન અને મટન આપે છે. તો શું તે આવું કરી શકે ખરું ? તે પ્રશ્ન ઊભો થયો છે. ચાર વર્ષથી રેસ્ટોરન્ટના માલિકને કાચું નોનવેજ આપી જતો હોય તે આવું કરી શકે ખરુ ? ટૂંકમાં પોલીસથી બચવા માટે સરફરાજ ખોટું બોલી રહયો એવુ લાગે છે. ખરેખર પોલીસે આ કેસમાં ગંભીરતાથી તપાસ કરવી જોઇએ તોજ સાચી હકીકતો બહાર આવી શકશે. હજુ ખાટકી અંસાર ભાગતો ફરે છે. અંસાર ભટારમાં રહે છે અને હોડી બંગલા પાસે નોનવેજ દુકાન છે. શહેરમાં પોશ વિસ્તારમાં ચાલતી કેટલીક નોનવેજની લારીઓ, હોટલ અને રેસ્ટોરન્ટની પાલિકાએ સરપ્રાઇઝ ચેકિંગ કરવાની જરૂર છે કેમ કે ત્યાં પણ કેટલીક જગ્યાઓ પર નોનવેજમાં મિક્સીંગ કરી લોકોને પીરસાતું હોઈ શકે છે. ખાસ કરીને ડુમસ રોડ પર કેટલીક નોનવેજની કેટલીક લારીઓ, હોટલ અને રેસ્ટોરન્ટમાં પાલિકા તપાસ કરે તે લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.