વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને હેરિટેજ ઇમારતોની જાળવણી માટે હેરિટેજ સેલ બનાવવાનું નક્કી કર્યું છે, જેમાં આ સેલ બરાબર કાર્યરત રહે તે માટે પબ્લિક ટ્રસ્ટની રચના કરવામાં આવશે. વડોદરા શહેર લગભગ ૨ હજાર વર્ષનો ઇતિહાસ ધરાવે છે વડોદરાના ઘણાબધા ઐતિહાસિક સ્થળો તથા સ્મારકો વિશ્વકક્ષાના છે.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે શહેરમાં આવેલા વિવિધ હેરિટેજ સ્થળોની ઓળખ કરી તેની યાદી બનાવવી, શહેરના વિવિધ સ્થળોને લગતી માહિતી દર્શાવતી તકતી બનાવવી તેમજ આ સ્થળોનું કાયમી ધોરણે ડોક્યુમેન્ટેશન થાય તે માટેના પ્રયાસો કરવા જરૂરી છે. ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા શહેરોમાં જૂની ઐતિહાસિક અસ્કયામતોની જાળવણી તેમ જ કલા સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ ઇમારતોની જાળવણી માટે વિશેષ પગલાં શહેર કક્ષાએ લેવા ભલામણ કરવામાં આવી છે.
આ સંજોગોમાં આ કામગીરી યોગ્ય સ્વરૃપે થાય તે માટે એક અલગ ટ્રસ્ટની રચના થાય તો સ્વાયત્ત રીતે કામગીરી નિભાવી શકે અને ટ્રસ્ટમાં હેરિટેજ ક્ષેત્રમાં કામ કરતા નામાંકિત લોકો તથા પુરાતત્વ અને ઇતિહાસ ક્ષેત્રમાં કામ કરતા નિષ્ણાતોનો સમાવેશ કરી પબ્લિક ટ્રસ્ટની રચના કરવી જરૂરી છે. આ અંગેની સમગ્ર કાર્યવાહી હાથ ધરવા તેમજ હેરિટેજ ટ્રસ્ટના ચેરમેન તરીકે નિવૃત્ત આઇએએસ અધિકારીની નિમણૂંક અને ગાઇડલાઇન્સ માટે કાર્યવાહી થશે.