આગામી ૧૬ ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપ માટે સોમવારે ભારતની ટી૨૦ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. પસંદગીકારોએ ટી૨૦ વિશ્વ કપ માટે ૧૫ સભ્યોની ટીમ જાહેર કરી હતી જેમાં જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલનું પુનરાગમન થયું છે. રોહિત શર્માના ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. ભારતીય ટીમ ૨૩ ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ સાથે તેના વર્લ્ડ કપ અભિયાનનો પ્રારંભ કરશે. ટી૨૦ વર્લ્ડ કપ ટીમમાં જે બે ખેલાડીઓ સ્થાન મેળવી શક્યા નથી તેમાં ઝડપી બોલર આવેશ ખાન અને સ્પિનર રવિ બિશ્નોઈનો સમાવેશ થાય છે. પસંદગીકારોએ વરિષ્ઠ ઓફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને તક આપી છે.
જસપ્રીત બુમરાહને પીઠની ઈજા થઈ હતી જ્યારે હર્ષલ પટેલને પડખાના સ્નાયુ ખેંચાવાની સમસ્યા થઈ હતી. ભારતના આ બન્ને અનુભવી બોલર્સ હવે સંપૂર્ણ ફિટ થઈ ગયા છે જેને પગલે તેમને ટી૨૦ વર્લ્ડ કપ સ્ક્વોડમાં સામેલ કરવાનો મહત્વનો ર્નિણય પસંદગીકારોએ કર્યો હતો. બન્ને બોલર્સે નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે સઘન ટ્રેનિંગ અને રીહેબિલિટેશન કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. બીસીસીઆઈની મેડિકલ ટીમે ટી૨૦ વર્લ્ડ કપ માટે આ બન્ને બોલર્સને ફિટ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ પૂર્વે ભારત ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી રમશે જેમાં આ બન્ને બોલર્સને પોતાની લય પુરવાર કરવાની તક પ્રાપ્ત થશે. તાજેતરમાં એશિયા કપમાં પાકિસ્તાન સામે એશિયા કપમાં સુપર ફોરમાં શાનદાર દેખાવ કરનાર રવિ બિશ્નોઈને પડતો મુકવામાં આવ્યો તે ર્નિણય આંચકાજનક છે.
યુઝવેન્દ્ર ચહલનું હંમેશા મુખ્ય સ્પિનર તરીકે ટીમમાં સ્થાન નિશ્ચિત હોય છે. બિશ્નોઈ અને અશ્વિન વચ્ચે ત્રીજા સ્પિનર માટે ફાઈટ જોવા મળતી હોય છે. ઓસ્ટ્રેલિયાના વિશાળ મેદાનો ઉપર અશ્વિનની હાજરીથી ભારતીય ટીમને ફરક જરૂર પડશે. ભારતના ગ્રુપમાં રહેલી અન્ય ટીમો પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા પાસે એકથી વધુ લેગ સ્પિનર્સ છે જેથી ઓફ સ્પિનર અશ્વિનને હરીફ ટીમો સામે ફાયદો મળવાની સંભાવના વધી જાય છે. એશિયા કપમાં ભારતીય બેટ્સમેનોનો દેખાવ સાધારણ રહ્યો હોવા છતાં ટીમમાં બેટિંગ લાઈનઅપમાં કોઈ મોટો ફેરફાર કરાયો નથી. યુએઈમાં રમાયેલા ગત ટી૨૦ વર્લ્ડ કપમાં સામેલ મોટાભાગના બેટ્સમેન આ વખતે ટીમમાં જોવા મળશે. દીપક હુડ્ડા અપવાદરૂપ છે પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં પ્રથમ પસંદગી તરીકે નથી જોવામાં આવતો.
ભારતીય ટીમમાં ટોપ થ્રી એટલે કે રોહિત શર્મા, લોકેશ રાહુલ અને વિરાટ કોહલીના બેટિંગક્રમમાં કોઈ ફેરફારની સંભાવના નથી. વિકેટકીપર બેટ્સમેન તરીકે ફિનિશર દિનેશ કાર્તિકના સ્થાને રિશભ પંતને તક આપવામાં આવે છે કે કેમ તે અવશ્ય ચર્ચાની બાબત છે. ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા અનિશ્ચિત સમય સુધી ઉપલબ્ધ નહીં હોવાથી તેને વર્લ્ડ કપ ટીમમાંથી બહાર રખાયો છે.રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર અને અર્શદીપ સિંઘને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. ટૂર્નામેન્ટમાં મુખ્ય ટીમનો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો આ ચાર ખેલાડીમાંથી કોઈને તક મળી શકે છે.